પેપરમીલ એસોસિએશને પેકેજીંગ ઉદ્યોગોના માલિકો સાથે બેઠક કરી 45 દિવસમાં પેમેન્ટની પોલિસી લાગુ કરવા અંગે કરી જાણમોરબી : મોરબીમાં સિરામિક ઉદ્યોગો માટે કોરૂગેટેડ બોક્ષ બનાવતો પેકેજીંગ ઉદ્યોગ ભીંસમાં મુકાયો છે. કારણકે પેપરમિલ ઉદ્યોગ તરફથી તેમને 45 દિવસમાં પેમેન્ટ ઉપર જ માલ આપવાનું કહેવામાં આવતા આ ઉદ્યોગની ચિંતા વધી છે. મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે અનેક ઉદ્યોગો સંકળાયેલા છે. જેમાં મુખ્ય ઉદ્યોગ કહી શકાય તો તે પેકેજીંગ ઉદ્યોગ છે. જે સિરામિક ઉદ્યોગોને ટાઇલ્સ ભરવાના કોરૂગેટેડ બોક્સ બનાવીને આપે છે. આ પેકેજીંગ ઉદ્યોગ તેનું રો મટીરીયલ્સ પેપર મિલો પાસેથી મેળવે છે. હાલ પેપર મિલ એસોસિએશન દ્વારા 150 જેટલા પેકેજીંગ ઉદ્યોગના માલિકો સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પેપર મિલ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પેપર મિલ ઉદ્યોગોને તમામ ચૂકવણું તુરંત જ કરવાનું હોય છે. તેને ક્યાંયથી બાકીમાં માલ મળતો નથી. સામે પેકેજીંગ ઉદ્યોગો દ્વારા પેપરમિલોને 100થી 150 દિવસોમાં પેમેન્ટ મળે છે. જેને લઈને પેપરમિલ ઉદ્યોગને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માટે નવા નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ મહિનાથી 45 દિવસમાં પેમેન્ટની પોલિસી મુજબ જ માલ આપવામાં આવશે. પેકેજીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ધીરેનભાઈ કાસુન્દ્રા દ્વારા જણાવાયુ છે કે પેપરમિલ ઉદ્યોગ દ્વારા હવે 45 દિવસના બાકી ઉપર જ માલ આપવાની જાહેરાત કરવામાં આવતા પેકેજીંગ ઉદ્યોગ ચિંતામાં મુકાયો છે. કારણકે સિરામિક ઉદ્યોગમાંથી પેકેજીંગ ઉદ્યોગને 45 દિવસમાં પેમેન્ટ મળતું નથી. જેથી પેકેજીંગ ઉદ્યોગ 45 દિવસમાં પેપરમિલોને પણ પેમેન્ટ આપી શકતો નથી.