ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે નેકનામ કન્યા શાળા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. 6 થી 8 ના 30 જેટલા વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન, શાળાના પુસ્તકાલયના વિજ્ઞાનના પુસ્તકોનું નિદર્શન, શાળા ઔષધ બાગ નિદર્શન, ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાની હરીફાઈ યોજાઈ હતી. સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.આ તકે શાળાના એસ.એમ.સી. અધ્યક્ષ, વાલીઓ તેમજ નેકનામ કુમાર તાલુકા શાળાએ વિદ્યાર્થીઓ સાથે હાજરી આપી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના શિક્ષકો દ્વારા એક રંગ બદલતા પ્રયોગ દ્વારા કરાયું હતું. જેમાં હાજર સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ મજા પડી હતી. નેકનામ કન્યા શાળાની ધોરણ 6 થી 8ની વિદ્યાર્થિનીઓ દ્વારા વિજ્ઞાન વિષયના વિવિધ 30 જેટલા પ્રયોગો બતાવી પોતાના વિજ્ઞાન વિષય અંગેના જ્ઞાનની રજૂઆત મુલાકાતીઓ સમક્ષ કરી હતી. નેકનામ કન્યા શાળા દ્વારા બનાવેલા ઔષધ બાગની મુલાકાતે આવેલા તમામને મુલાકાત કરાવાઈ હતી. જેમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા મુલાકાતીઓને ઔષધિઓના ફાયદાઓની માહિતી આપી વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓને એક અઠવાડિયા અગાઉ વિવિધ વસ્તુઓનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું. દરેક ધોરણમાં જે વિદ્યાર્થી સૌથી વધુ વસ્તુઓનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધી લાવ્યા હતા તેવા પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ નંબરે બામણીયા નિલમ લક્ષ્મણભાઈ (ધોરણ 8) - 516 વસ્તુઓ, બીજા નંબરે બામણીયા જ્યોતિ લક્ષ્મણભાઈ (ધોરણ 7) - 410 વસ્તુઓ અને ત્રીજા નંબરે વાડોલીયા ઇશિતા દિલીપભાઈ (ધોરણ 6) - 241 વસ્તુઓ રહ્યા હતા.આ ઉજવણીમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આકર્ષક ભેટ આપી શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કાર્યક્રમનું તમામ આયોજન શાળાની બંને વિજ્ઞાન શિક્ષિકાઓ પટેલ વિધીબેન અને પટેલ તમન્નાબેન તેમજ શાળાના તમામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.