5 જેટલી દુકાનો, 4 જેટલા ઓટલા અને બે કેબીનો ઉપર જેસીબી ફેરવી દેવાયું : સ્વચ્છતા ઝુંબેશમાં 12 ટ્રેકટર કચરો એકત્રિત કરાયોમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે વિશિપરામાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પણ લગે હાથ મહાપાલિકાએ અહીં જેસીબી પણ ચલાવી નાખી દબાણોનો કડુસલો બોલાવી દીધો હતો. જેને પગલે અહીંનો દબાણગ્રસ્ત રોડ ખુલ્લો થઈ ગયો છે. મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં અને ડેપ્યુટી કમિશનર સંજય સોનીની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા આજે વિશિપરામાં વીસી ફાટકથી લઈ ધોળેશ્વર સ્મશાન સુધી સફાઈ ઝુંબેશ ચલાવી હતી. જેમાં 12 ટ્રેકટર કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. ઉપરાંત અહીં સફાઈ કાયમી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યું હતું. બીજી તરફ ધોળેશ્વર સ્મશાનના રસ્તે અનેક દબાણો હોય મ્યુનિસિપલ કમિશનર દ્વારા જેસીબી ચલાવવા પણ આદેશ આપવામાં આવ્યો હતો. પરિણામે અહીં 5 જેટલી દુકાનો, 4 જેટલા ઓટલા અને બે કેબીનો ઉપર જેસીબી ફેરવી દેવાયું હતું. જેને પગલે આ દબાણગ્રસ્ત રોડ ખુલ્લો થઈ ગયો છે.