મહાશિવરાત્રિ નિમિત્તે રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામીશિવાલયોમાં આરતી, પૂજન અર્ચન, મહાપ્રસાદ સહિતનું આયોજનમોરબી : આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર શિવાલયોમાં ઉજવણી ચાલી રહી છે. ત્યારે મોરબી નજીક રફાળેશ્વર ખાતે આવેલા પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. રોડ પર ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.મહાશિવરાત્રિ નિમિત્તે આજે રફાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારે 4 વાગ્યે આરતી કરવામાં આવી હતી. સાથે જ મહાપૂજા પણ કરાઈ હતી. સાંજે પણ મહાપૂજાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત રાત્રે ચાર પ્રહરની આરતી કરવામાં આવશે. મહાશિવરાત્રિનો પર્વ હોય દુર દુરથી લોકો ભગવાન ભોળાનાથના દર્શન માટે આવી રહ્યા છે. રફાળેશ્વર મહાદેવ મંદિરની બાજુના ગ્રાઉન્ડમાં મહાશિવરાત્રિના મેળાનું પણ આયોજન કરાયું છે. જેમાં 20 જેટલી રાઈડ્સ રાખવામાં આવી છે. લોકો આ મેળાની પણ મજા માણી રહ્યા છે.મહાશિવરાત્રિ નિમિત્તે મોરબીના અગ્નેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવ, જંગલેશ્વર મહાદેવ, કુબેરનાથ મહાદેવ, નિલકંઠ મહાદેવ, લજાઈ નજીક આવેલા ભીમનાથ મહાદેવ, તીથવા નજીક આવેલા ભંગેશ્વર મહાદેવ, સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ, વાંકાનેર ખાતેના જડેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જામી છે. લોકો ભાંગનો પ્રસાદ લઈ મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.