આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ : સેંકડો સૂર્ય જેવા તેજસ્વી જ્યોતિર્લિંગનો સૌપ્રથમ પ્રાદુર્ભાવ આ તિથિએ રાત્રે થયેલોમોરબી : હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે દર વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ પર પાણી ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તની બધી ઇચ્છાઓ પૂર્ણ કરી શકે છે. મહાશિવરાત્રીનો દિવસ દેવાધિદેવ મહાદેવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહાદેવ શિવની ભક્તિ માટે ઉપવાસ અને તહેવારો વર્ષભર ઉજવવામાં આવે છે, જેમાંથી મહાશિવરાત્રી સૌથી મહત્વપૂર્ણ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર, મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયાં હતાં. આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં. ત્યારબાદ જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવએ પોતાનો પરિચય આપીને અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યાં હતાં. મહાશિવરાત્રિનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે.મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે, આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ માન્યતાના કારણે અમુક મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવનવરાત્રી ઉત્સવ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે, જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે, આ તિથિએ દેશના વિવિધ ભાગોમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હતા. આ 12 જ્યોતિર્લિંગ છે - સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને ઘૃષ્ણેશ્વર. કહેવાય છે કે સેંકડો સૂર્ય જેવા તેજસ્વી જ્યોતિર્લિંગનો સૌપ્રથમ પ્રાદુર્ભાવ આ દિવસે રાત્રે થયો હતો. સૃષ્ટિના આરંભે બ્રહ્માએ સૌપ્રથમ રુદ્રરૂપી શિવને પ્રગટાવ્યા. તે આ દિવસે પ્રગટ્યા હતા. પ્રલયને કારણે સર્વત્ર શૂન્યતા હતી. આ દિવસે શંકરે તાંડવનૃત્ય કર્યું. ડમરુના નિનાદ કર્યા. તેમાંથી સમગ્ર વાયુમંડળમાં જ્ઞાનવિજ્ઞાનનાં સૂક્ષ્મ રૂપ પ્રગટાવ્યાં અને તેનાથી સમગ્ર જગત વ્યાપ્ત કરી દીધું.