આદ્રોજા પરિવારે લક્ષ્મીજીના અવતરણના જે વધામણા કર્યા તેવા ક્યાંય નહીં જોયા હોય : 100 બહેનો રોટલા બનાવે છે, 100 સ્વયંસેવકો આ રોટલા ગૌશાળા સુધી પહોંચાડે છે : સતત 3 દિવસ સુધી આ સેવાયજ્ઞ ચાલતો રહેશેમોરબી : મોરબીની દાતારી અને સેવાકાર્યો એનાથી કોણ વાકેફ નથી? આનો વધુ એક પરચો મૂળ લાલપરના અને હાલ મોરબી રહેતા સેવાભાવી જયભાઈ આદ્રોજાએ આપ્યો છે. તેઓએ ઘરે લક્ષ્મીજીના અવતરણના એવા વધામણાં કર્યા છે કે જે જાણીને સૌ કોઈ તેને બિરદાવી રહ્યા છે. ભાગ્યશાળી હોય છે જેની ઘરે દીકરીનો જન્મ થાય છે. ઘરે દીકરીના જન્મની ખુશી તો અનેરી જ હોય છે. માટે જ ઘણા લોકો દીકરીના જન્મ સમયે ભવ્ય ઉજવણી કરતા હોય છે. પણ મોરબીના જયભાઈ આદ્રોજાએ અનોખી સેવામય ઉજવણી કરી છે. તેમના ઘરે લક્ષ્મીજીનું અવતરણ થતા તેઓએ ગાયોને 100, 200 કે 500 નહીં અધધધ 51,111 રોટલા ગાયોને ખવડાવવાનો સંકલ્પ લીધો છે. આ સેવાકિય સંકલ્પ અન્વયે આજથી રવાપર ગામના પાદરમાં બોની પાર્ક પાસે 120 ચૂલા સળગાવવામાં આવ્યા છે. જે ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. અહીં 100 બહેનો રોટલા બનાવી રહ્યા છે. 100 સ્વયંસેવકો તૈયાર થયેલા રોટલા વિવિધ ગૌશાળામાં પહોચાડવાનું કામ કરી રહ્યા છે. આ સેવાકાર્ય વિશે જયભાઈ આદ્રોજા જણાવે છે કે અત્યારે ઉજવણી તો દરેક જગ્યાએ થાય છે. જેની પાછળ મોટા ખર્ચ થાય છે. પણ તેઓએ નક્કી કર્યું કે ખર્ચાળ ઉજવણી તો કરવી છે પણ આપણી સંસ્કૃતિને અનુરૂપ હોવી જોઈએ. આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું બિરૂદ આપવામાં આવ્યું છે. ગૌમાતાની જઠરાગ્નિ ઠારીને ઉજવણી કરવામાં આવે તો તેનાથી મોટી બીજી કોઈ ઉજવણી નથી.