મોરબી : ગત રોજ તા. 24-2-2025ને સોમવારના રોજ આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ.જયંતિભાઈ એસ. ભાડેસિયાના 66મા જન્મદિવસ પર સામાજિક સમરસતા વિષયને અનુરૂપ દિવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં આરએસએસ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ સંચાલિત રોહિદાસપરામાં આવેલ વીર સાવરકર બાલ સંસ્કાર કેન્દ્ર ખાતે પ્રીતિબેન ચાવડા દ્વારા કુમકુમ તિલક સાથે ડૉ. સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જ આ વિસ્તારના લોકો એ પ્રાર્થના, શ્લોક સાથે 21 દીવડાઓ પ્રગટાવી ડૉ.જયંતિભાઈને શુભ કામનાઓ પાઠવી હતી. બાલ સંસ્કાર કેન્દ્રના તમામ બાળકોને ડૉ. ભાડેસિઆ તરફથી સ્કુલ બેગ તથા પરીક્ષા કીટ ભેટમાં આપવામાં આવી. તેમજ સામાજિક સમરસતાના ભાવ સાથે સ્થાનિક રહીશો દ્વારા ડૉ.જયંતિભાઈને ડૉ.બાબા સાહેબ આંબેડકરની સુંદર કૃતિ ભેટમાં આપવામાં આવી. પ્રવીણભાઈ ચાવડા દ્વારા ઉપસ્થિત તમામને આઈસ્ક્રીમ આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, મનસુખભાઇ કાવર તથા કેન્દ્ર સંચાલિકા સવિતાબેન હરેશભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી. તથા સ્થાનિક અગ્રણીઓ અશોકભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈ ચાવડા, પ્રવીણભાઈ સોલંકી, અશોકભાઈ રામાણી, જગદીશભાઈ ચાવડા, કિશોરભાઈ વાઘેલા તથા દિલીપભાઈ દલસાનીયા ઉપસ્થિત રહ્યા હતા.