શૌચાલયની ખંઢેર હાલતમાં હોય સામાજિક કાર્યકરોએ સફાઈ કરાવવા માગ કરી મોરબી : મોરબીના નગર દરવાજા પાસે જીઈબીની ઓફિસ પાસે આવેલ મહિલા શૌચાલય છેલ્લા ઘણા સમયથી ખંડેર હાલતમાં હોય તેની યોગ્ય સાફ-સફાઈ કરી મહિલા શૌચાલય યોગ્ય કરવા બાબતે સામાજિક કાર્યકરોએ મોરબી મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરી છે.મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશભાઈ કોટેચા, દેવેશભાઈ રાણેવડીયાએ મોરબી જિલ્લા કલેકટર, મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, નગર દરવાજા પાસે જીઇબીની ઓફિસ પાસેનું મહિલા શૌચાલય જે દિવસથી બનાવવામાં આવ્યું છે તે દિવસથી તેની સફાઈ થઈ નથી. શૌચાલયમાં દારૂની કોથળીઓ પડી હોય છે. મોટર પણ ચોરાઈ ગઈ છે. જેના કારણે ખરીદી કરવા આવતી બહેનોને શૌચાલયમાં ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. ઘણી મહિલાઓને ના છૂટકે ખુલ્લામાં અથવા પુરુષોના શૌચાલયમાં જવું પડે છે. તેથી તાત્કાલિક ધોરણે આ શૌચાલયની સાફ-સફાઈ કરાવી ચાલુ કરવામાં આવે તેવી મહિલાઓની અને સ્થાનિક વેપારીઓની પણ માગ છે.