જિલ્લામાં છ વર્ષમાં રહેણાંક અને કોમર્શિયલમા 8862 સોલાર રુફટોફ ઇન્સ્ટોલ થયામોરબી : સિરામિક ઇન્ડસ્ટ્રીઝ સહિતની અન્ય ઇન્ડસ્ટ્રીઝને કારણે મોરબી જિલ્લો અઢળક રેવન્યુ કમાઈ આપી પીજીવીસીએલ માટે કમાઉ દીકરો સાબિત થયો છે. ત્યારે સોલાર રુફટોફ માટેની સૂર્યઘર યોજનામા પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો ટોપ થ્રીમા છે. વર્ષ 2019મા સોલાર રુફટોફ યોજના અમલી બન્યા બાદ જિલ્લામાં 8862 સોલાર લાગ્યા છે. જો કે, મજાની વાત એ છે કે, સોલાર પાર્ક યોજનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો નંબર વન છે. જિલ્લામાં હાલમાં 59 સોલાર પાર્કમાં 126.34 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.નાગરિકોને વીજબીલ જીરો કરવાની સાથે કમાણી કરવા માટે કેન્દ્ર - રાજ્ય સરકારે અમલમાં મુકેલી પીએમ સૂર્યઘર યોજનાને સમગ્ર રાજ્યમાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. મોરબી જિલ્લામાં વર્ષ 2019મા અમલી બનેલ સોલાર રુફટોફ યોજનમાં 2025 સુધીમાં 8862 સોલાર રુફટોફ વીજ ગ્રાહકોએ લગાવ્યા છે જેમાં રહેણાંક મકાનમાં 8248 તેમજ કોમર્શિયલ વીજ ગ્રાહકોએ 304 સહીત કુલ 8862 સોલાર રુફટોફ લગાવતા પીજીવીસીએલ કંપનીમા સોલાર લગાવવામાં મોરબી જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્રમાં ત્રીજા ક્રમે આવ્યું છે.જો કે, સોલાર પાર્ક થકી વીજ ઉત્પાદનમાં મોરબી જિલ્લો સમગ્ર સૌરાષ્ટ્રમાં ટોચ ઉપર છે. પીજીવીસીએલ મોરબી સર્કલના અધિક્ષક ઈજનેર ડી.આર.ઘાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના કુલ 59 સોલાર પાર્ક આવેલા છે જેમાં 126.34 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. સાથે વર્ષ 2025ના અંત સુધીમાં હજુ વધુ 24 સોલાર પાર્ક કાર્યરત થશે જેના થકી વધુ 73.90 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે.નોંધનીય છે કે મોરબી જિલ્લામાં કુલ 3.72 લાખ એલટી અને 2246 એચટી જોડાણ આવેલ હોય રેવન્યુની દ્રષ્ટિએ મોરબી જિલ્લો પીજીવીસીએલમાં ટોચ ઉપર આવે છે.સોલાર રુફટોફમાં લક્ષ્યાંકથી વધુ સિદ્ધિ મેળવતો મોરબી જિલ્લોમોરબી જિલ્લાને વર્ષ 2024 - 25થી લઈ વર્ષ 2026 - 27 સુધીમાં ત્રણ વર્ષમાં 17200 સોલાર રુફટોફનો ટાર્ગેટ અપાયો છે જેમાં ચાલુ વર્ષના 5160નો લક્ષ્યાંક અપાયો હતો જે અન્વયે અત્યાર સુધીમાં 27485 અરજી રજીસ્ટર થયેલ હતી. જે પૈકી 7584 અરજીઓ સબમીટ થઈ હોવાનું અને 6226 લોકોએ સોલાર રુફટોફ ઇન્સ્ટોલ કરાવી લેતા ટારગેટથી વધુ કામગીરી થઈ છે.મોરબી જિલ્લામાં ક્યાં ડીવીજનમાં કેટલા રૂફ્ટોફમોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 8862 સોલાર રુફટોફ ઇન્સ્ટોલ થયા છે. જેમાં મોરબી શહેર અને મોરબી -2 ડિવિઝન મળી કુલ 5802 સોલાર પેનલો થકી વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યારે વાંકાનેર ડીવીજનમાં 1921 અને હળવદ ડિવિઝનમાં 1139 વીજ ગ્રાહકોએ સોલાર પેનલ લગાવી વીજ બિલ જીરો કરવાની સાથે કમાણી કરી રહ્યા હોવાનું પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ઘાડિયાએ જણાવ્યું હતું.