હર હર મહાદેવના નાદ સાથે ભજન,ભક્તિ અને ભાંગનો ત્રિવેણી સંગમ25 જેટલા ફજત ફાળકા ગોઠવાયા, લાખોની જનમેદની ઉમટશેમોરબી : શિવરાત્રી મહાપર્વ નિમિત્તે જૂનાગઢની જેમ જ મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ બે દિવસીય મેળાનું આયોજન કરાયું છે. જેમાં તા.25 ફેબ્રુઆરીએ સાંજે શિવ ઉત્સવ મેળાની શુભ શરૂઆત બાદ 26મીએ મેળો સંપન્ન થશે. મહાશિવરાત્રીના આ મેળામાં ભજન, ભક્તિ અને ભાંગનો ત્રિવેણી સંગમ યોજાશે અને જિલ્લાના લાખો લોકો મેળાની મજા માણવાની સાથે શિવભક્તિમાં ઓતપ્રોત બનશે.મોરબી નજીક આવેલ પ્રસિદ્ધ રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શિવરાત્રીના પાવન પર્વ નિમિતે શિવ ઉત્સવ 2025 લોકમેળાનું આયોજન થાય છે, જે અન્વયે આ વર્ષે પણ છેલ્લા આઠ દિવસથી લોકમેળો યોજવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા.25મીએ સાંજે પૂર્વ સાસંદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાના હસ્તે લોકમેળાનો પ્રારંભ થશે અને તા.26મીએ મેળો સંપન્ન થશે. આ વર્ષ લોકમેળામાં નાની મોટી 25 રાઇડ્સ, ફજત ફાળકા ફિટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રફાળેશ્વરના પ્રસિદ્ધ લોકમેળામાં જિલ્લાભરમાંથી ભાવિકજનો ઉમટશે અને મહાદેવના દર્શન સાથે ભાંગનો પ્રસાદ મેળવશે. મેળામાં ભજન માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.