મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના અંતર્ગત બજેટમાં મોરબી મહાપાલિકા વિસ્તારમાં રિંગ રોડ માટે પણ જોગવાઈ કરાઈમોરબી : મોરબીમાં રિંગ રોડ માટે સરકારે લીલીઝંડી આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના અંતર્ગત બજેટમાં મોરબી મહાપાલિકા વિસ્તાર માટે પણ જોગવાઈ કરી હોય ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્ય સરકારનો આભાર પ્રગટ કર્યો છે. મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને જોતા રિંગ રોડ બનાવવાની છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી રહી હતી. પરિણામે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા વર્ષ 2025-26ના બજેટમાં મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના અંતર્ગત મોરબી મહાપાલિકા વિસ્તારમાં પણ રિંગ રોડ બનાવવાની જોગવાઈ કરી છે. વધુમાં જાણવા મળતી વિગત અનુસાર રાજ્ય સરકાર દ્વારા હવે મોરબીને રિંગ રોડ આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. હવે મહાપાલિકા કક્ષાએથી તમામ પાસાઓ ધ્યાને લઇ રિંગ રોડ અંગેનો પ્લાન નક્કી કરી સરકારમાં વિધિવત દરખાસ્ત કરવામાં આવશે. ત્યારબાદ સરકાર દ્વારા રિંગ રોડને મંજૂરી આપી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે. આમ સરકારની લીલીઝંડી તો મળી ગઈ છે. પણ મોરબીવાસીઓએ આ રિંગ રોડ માટે હજુ થોડી ધીરજ રાખવી પડશે.