સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ચિક્કાર ગિરદી : સિવિલ હોસ્પિટલમાં જ દરરોજના 400થી વધુ કેસ : ઠંડી,ગરમી ઉપરાંત લગ્નગાળાને કારણે વાયરલના કેસોનો ઢગલોમોરબી : ઓણસાલ શિયાળાની વહેલી વિદાય સાથે ઉનાળાનું આગમન થયું છે જેમાં ખાસ કરી સવારે અને સાંજના સમયે ઠંડી તેમજ દિવસે ધોમધખતા તાપ પડવા ઉપરાંત હાલમાં લગ્નસરાની ધૂમ સીઝન ચાલી રહી હોય વાયરલ બીમારીએ માથું ઉચક્યું છે. મોરબીમાં હાલમાં ખાનગી હોસ્પિટલો તેમજ સરકારી દવાખાનામાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. એકલી સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ 400થી વધુ દર્દીઓ શરદી-ઉધરસ અને તાવની વાયરલ બીમારીના આવતા હોવાનું સામે આવ્યું છે.હાલમાં વાતાવરણમાં આવેલા બદલાવને કારણે મિશ્રઋતું અનુભવાઈ રહી છે ત્યારે વાયરલ બીમારીએ માથું ઉચક્યું છે. મોરબી શહેરમાં ખાનગી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે રીતસર કતારો લગાવી રહ્યા છે. મોરબી સિવિલના સત્તાવાર આંકડા મુજબ ડિસેમ્બરમાં 26002, જાન્યુઆરીમાં 28440 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા અને ચાલુ ફેબ્રુઆરી માસમાં પણ દૈનિક સરેરાશ 1000થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે જેમાંથી 40થી 45 ટકા દર્દીઓ શરદી-ઉધરસ અને તાવની વાયરલ બીમારીની સારવાર માટે આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.ઉલ્લખેનીય છે કે, મોરબીની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ વ્યાલ બીમારીની સારવાર માટે મોટા પ્રમાણમાં આવી રહ્યં હોવાનું જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગત વર્ષના સિવિલ હોસ્પિટલના આંકડા જોવામાં આવે તો ગત જાન્યુઆરી 2024માં 21680 જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેની તુલનાએ જાન્યુઆરી-2025માં 28440 દર્દીઓ સારવાર માટે આવ્યા હોય ગત વર્ષની તુલનાએ દર્દીઓની સંખ્યામાં 7000 જેટલો ઉછાળો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. સિવિલમાં આવતા કુલ દર્દીઓ પૈકી 40થી 45 ટકા દર્દીઓ વાયરલ બીમારીના જ ભોગ બન્યા હોવાનું પણ તબીબો જણાવી રહ્યા છે.હજુ 15 દિવસ વાયરલ રોગચાળો રહશે : ડો.માલાસણામોરબી શહેર અને જિલ્લામાં મિશ્રઋતુને કારણે વાયરલ રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે મોરબીના જાણીતા તબીબ ડો.વિપુલ માલાસણાએ જણાવ્યું હતું કે, હાલમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુની સાથે જ લગ્નગાળો પણ ખુબ જ ચાલી રહ્યો હોવાથી વાયરલ રોગચાળામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વાયરલ રોગચાળાથી બચવા માટે નાગરિકોને માસ્ક પહેરવાની સાથે બહારનો ખોરાક અને ખાસ કરીને મીઠાઈ તેમજ તળેલા ખોરાક ન ખાવા જોઈએ તેમ જણાવી આગામી 15 દિવસ સુધી હજુ પણ વાયરલ બીમારી રહે તેમ હોવાનું તેઓએ જણાવ્યું હતું.