૨૧ ફેબ્રુઆરી : આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ : બાળકના માનસિક વિકાસ માટે પ્રથમ શબ્દોને સંચાર આપતી ભાષા એટલે માતૃભાષાદુનિયાભરમાં પોતાની ભાષા-સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા લાવવા ઉજવાતો વિશ્વ માતૃભાષા દિવસસંકલન : માર્ગી મહેતા મોરબી : વિશ્વભરમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ દુનિયાભરમાં પોતાની ભાષા-સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો છે. યુનેસ્કો દ્વારા વર્ષ ૧૯૯૯માં માતૃભાષા દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસે માતૃભાષાને લગતા અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. યુનેસ્કોએ વિવિધ દેશોમાં ૭૦૦૦થી વધુ ભાષાઓને ઓળખી છે, જેનો ઉપયોગ વાંચવા, લખવા અને બોલવા માટે થતો હોવાનું કહેવાય છે. ગુજરાતી ભાષા વિશે વાત કરીએ તો ગુજરાતી ભાષાનું સૌંદર્ય તેની લિપિ, વ્યાકરણ, જોડણી, ઉચ્ચારણો અને અભિવ્યક્તિમાં છે. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ 'સિદ્ધ હેમ શબ્દાનુશાસન' હતો. જે ઈ.સ. ૧૧૩૫માં લખાયો હતો. સંસ્કૃત શબ્દ 'ગુર્જરત્રા' અને પ્રાકૃત શબ્દ 'ગુજ્જરતા' ઉપરથી ઉતરી આવેલો શબ્દ 'ગુજરાત' પરથી વિશેષણ બન્યું 'ગુજરાતી'. ગુજરાત સરકાર દ્વારા માતૃભાષાને પ્રાધાન્ય આપવા અનેક કોર્ષનો અભ્યાસક્રમ ગુજરાતીમાં બનાવવાનો નિર્ણય લેવાયો છે, જે ખરેખર ગૌરવપૂર્ણ છે. વિવિધ તકનીકી, તબીબી સહિત વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. ડો. અબ્દુલ કલામએ એકવાર કહેલું કે, “જે દિવસે આપણે મેડિકલ, ઇજનેરી સહિત તમામ ક્ષેત્રોનું શિક્ષણ માતૃભાષામાં જ આપીશું ત્યારે આપણે વૈજ્ઞાનિક ક્રાંતિ કરીશું.” હવે એ દિવસો દૂર નથી એ જાણીને હૈયું હેતથી ખીલી ઉઠે છે. રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ માતૃભાષાનો મહિમા વર્ણવતાં કહેલું કે “માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વિકસાવે છે, મજબૂત બનાવે છે.”માતૃભાષા માનવીના સંસ્કારોની વાહક છે. તેના વગર કોઈપણ દેશની સંસ્કૃતિની કલ્પના ન થઇ શકે. માતૃભાષા એ આત્માનો અવાજ છે, જે લોકોને એક દોરામાં મણકાની જેમ પરોવે છે. માતાના ખોળામાં ખીલેલી ભાષા બાળકના માનસિક વિકાસ માટે પ્રથમ શબ્દોને સંચાર આપે છે. માતૃભાષા જ માનવને વિચાર અને વર્તન અંગેના અનૌપચારિક શિક્ષણ અને સમજણ આપે છે. ગુજરાતી કવિશ્રી વિનોદ જોશીની ગુજરાતી હોવા પર ગર્વ આલેખતી એક સરસ મજાની પંક્તિ છે કે.. હું એવો ગુજરાતી, જેની..‘હું ગુજરાતી’ એ જ વાતથી ગજ-ગજ ફૂલે છાતી..