મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની કચેરી સુરેન્દ્રનગર સંચાલિત મધ્યઝોન કક્ષા પ્રદેશ કલા મહાકુંભ 2024-25 ગત 17 થી 19 ફેબ્રુઆરીના રોજ સુરેન્દ્રનગરના ટાઉનહોલ તેમજ ઓમકાર સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં લગ્નગીત સ્પર્ધા 15 થી 20 વર્ષની કેટેગરીમાં વરિયા પ્રજાપતિ સમાજની દીકરી દ્રષ્ટિ શંકરભાઇ બારેજીયાએ શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી સંસ્થામાંથી ભાગ લઈને સમગ્ર મધ્યઝોન પ્રદેશ કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. જેમાં સહાયક તરીકે કોરસમાં ભોરણીયા દ્રષ્ટિ મહેશભાઈ, બરાસરા ભૂમિ વિનોદભાઈ અને ઢોલમાં ધ્રુવ રમણીકભાઇ બરાસરા સહાયક તરીકે જોડાયા હતા. દ્રષ્ટિબેનની સમગ્ર ટીમ આગામી રાજ્ય કક્ષાએ મધ્ય ગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કરશે. જે બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના ટ્રસ્ટીઓ, પ્રમુખ સહિતના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.