19 ફેબ્રુઆરી - શિવાજી મહારાજની જન્મજયંતી - શિવાજીએ મરાઠાઓને સંગઠિત કરીને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરેલીમોરબી : શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. આજે તેમની જન્મજયંતી છે. તેમના પિતા શાહજી ભોંસલે અને માતા જીજાબાઈ હતા. શિવનેરીનો કિલ્લો પુણેની ઉત્તરે જુન્નર શહેર પાસે હતો. તેમનું બાળપણ રાજા રામ, ગોપાલ, સંતો અને રામાયણ, મહાભારતની કથાઓ અને સત્સંગોમાં વીત્યું હતું. તેઓ તમામ કળાઓમાં નિષ્ણાત હતા, તેમણે બાળપણમાં રાજકારણ અને યુદ્ધ શીખ્યા હતા. શિવાજી મહારાજ મરાઠા રાજ્યના પ્રથમ શાસક હતા. શાહજી ભાસલે પહેલા અહમદનગરના નિઝામ હતા અને બાદમાં બીજાપુરના દરબારમાં કામ કરવા લાગ્યા. શિવાજીના ઉછેરની જવાબદારી સંપૂર્ણપણે તેમની માતા જીજાબાઈ પર હતી. શિવાજી બાળપણથી જ ખૂબ હિંમતવાન હતા. એવું કહેવાય છે કે તેમની માતા ખૂબ જ ધાર્મિક હતી, જેનો પ્રભાવ શિવાજી પર પણ જોવા મળ્યો હતો. માતા જીજાબાઈ શિવાજીને બાળપણમાં બહાદુરીની વાતો કહેતા હતા, જેની અસર શિવાજી પર પડી હતી. શિવાજીના ગુરુ સ્વામી રામદાસ હતા, જેમણે શિવાજીની નિર્ભયતા, અન્યાય સામે લડવાની ક્ષમતાનો વિકાસ કર્યો.શિવાજીનું સપનું હતું કે મરાઠાઓ માટે એક અલગ રાજ્ય હોય, આ સ્વપ્ન સાથે શિવાજીએ 18 વર્ષની ઉંમરે સૈન્ય એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અલગ મરાઠા રાજ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે, શિવાજીએ નજીકના નાના રાજ્યો પર હુમલો કરવાનું શરૂ કર્યું અને તેમને જીતી લીધા. શિવાજીએ પુણેની આસપાસના ઘણા કિલ્લાઓ જીતી લીધા અને નવા કિલ્લાઓ પણ બનાવ્યા.શિવાજી એક કુશળ શાસક અને સક્ષમ સેનાપતિ હતા. તેમની ક્ષમતાના બળ પર શિવાજીએ મરાઠાઓને સંગઠિત કર્યા અને એક અલગ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી. શિવાજીએ તેમની રાજકીય વ્યવસ્થા માટે 8 મંત્રીઓની નિમણૂક કરી. જેમાં પેશ્વા પદ સૌથી મહત્વનું હતું. મરાઠા રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત જમીન વેરો હતો.