ચોટીલાના ચિરોડા ગામેથી દેશી દારૂ ભરી મોરબી સપ્લાય કરે તે પૂર્વે જ પોલીસે પકડ્યા, મહિલા સહિત બે શખ્સોને નામ ખુલ્યાવાંકાનેર : સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દેશી - વિદેશી દારૂ મોરબી જિલ્લામાં ઠાલવાઈ રહ્યો છે ત્યારે મોરબી એલસીબી ટીમે નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક વોચ ગોઠવી ચોટીલા તરફથી મોરબી આવતા દેશી દારૂના 400 લીટર જથ્થા સાથે કારને ઝડપી લઈ બે શખ્સને દબોચી લીધા હતા. આ દરોડામાં મહિલા સહિત બે શખ્સના નામ ખુલ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ચોટીલા તરફથી કારમાં દેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી મળતા વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન જીજે - 01 - આરએમ - 3763 નંબરની આઈ ટવેન્ટી કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી વિજય લાખાભાઈ ચૌહાણ અને જયંતીભાઈ જક્સીભાઈ ચૌહાણ રહે.બન્ને ચિરોડા તા.ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી 80 હજારની કિંમતનો 400 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આરોપીઓની પૂછતાછમાં દેશી દારૂનો આ જથ્થો ચિરોડા ગામની ફરીદા જયંતીભાઈ ચૌહાણે મોકલ્યો હોવાનું અને મોરબીના રવિ ઉર્ફે માસ રમેશભાઈ કોળીને આ જથ્થો આપવાનો હોવાનું કબુલતા બન્નેને ફરાર દર્શાવી ચારેય વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.