ઘુંટુ ગ્રામ પંચાયત કચેરી દ્વારા લેખિતમાં કરાઈ રજૂઆત મોરબી : ઘુંટુ ગામના નવા રોડની બંને બાજુએ દબાણ કરવામાં આવ્યા છે. તેમજ હાલ અહીં નવા રોડની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ દબાણ દૂર કરવા અને નવો રોડ બની રહ્યો છે ત્યાં અંડરપાસ બનાવવા માટે મોરબી કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી તાલુકાના મોરબીથી ઘુંટુ ગામે નવા રોડની બંને બાજુએ દબાણ થયેલ છે. જે બાપા સીતારામ મંદિરથી ડામા ડાડાની જગ્યાની બંને બાજુએ દબાણ થયેલ છે. જેના કારણે વરસાદી પાણીનો નિકાલ બંધ છે. ત્યારે દબાણવાળી જગ્યામાં વરસાદી પાણીનો નિકાલ કરવાની તાત્કાલિક જરૂરત હોય ત્યારે 10 દિવસમાં નિકાલ કરવા તેમજ ઘુંટુ ગામે નવા રોડનું કામ ચાલી રહ્યું છે અને ગામની હાલ 15,000ની વસ્તી છે. ગામની બંને બાજુ લોકો વસવાટ કરી રહ્યા છે. પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ અને આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે. જેથી ઘુટું ગામે બહુચર માતાજીના મંદિર પાસે અંડરપાસ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે અંડરપાસ બનાવવાનું જરૂરી હોય આ બંને જગ્યાએ અંડરપાસ બનાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.