અગરિયા હિતરક્ષક મંચ દ્વારા કલેક્ટર, ધારાસભ્ય સહિતનાને લેખિત રજૂઆત કરાઈમોરબી : મચ્છુ-2 અને મચ્છુ-3ના રિપેરિંગ વખતે નીચેના ભાગમાં પાણી નિયંત્રિત સ્વરૂપે છોડી માળિયા અને હરિપરના અગરોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા અંગે અગરિયા હિતરક્ષક મંચ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય સહિતનાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.અગરિયા હિતરક્ષક મંચ દ્વારા જણાવાયું છે કે, આ વર્ષે મચ્છુ-2 અને મચ્છુ-3ને રિપેરિંગ માટે ખાલી કરવાના છે. ગત વર્ષે મે મહિનામાં મચ્છુ-2ના દરવાજાના રિપેરિંગ માટે ઓછા સમયમાં આખો ડેમ ખાલી કર્યો હતો જેના કારણે હરિપર અને માળિયાના અગરો ડુબી ગયા હતા. જેના કારણે અગરીયાઓને આશરે 3-4 લાખનું નુકસાન વેઠવું પડ્યું હતું. તેથી આ વખતે કેનાલ મારફતે મચ્છુ-2માં આવતું પાણી નિયંત્રિત કરવામાં આવે જેથી કરીને રિપેરિંગ વખતે એકદમ ઓછું પાણી હોય. પાણી છોડવામાં આવે ત્યારે ધીમે ધીમે છોડીને નીચે પુરની પરિસ્થિતિ ન સર્જાય અને અગરો ન ડૂબે તેની તકેદારી રાખવામાં આવે. હરિપર અને માળિયાના અગરોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે માટીકામ ચાલુ કરીને પાળા બાંધવામાં આવે. ડેમમાંથી છોડેલું પાણી સીધું દરિયામાં જઈ શકે તે માટે Tail End ચેનલ/વાટ સાફ કરવામાં આવે જેથી પૂરની પરિસ્થિતિ ન સર્જાય. આ ઉપરાંત મચ્છુ-2 અને 3ના રિપેરિંગનું ટાઈમટેબલ મામલતારના માધ્યમથી સંલગ્ન ગ્રામ પંચાયતોને મોકલવામાં આવે. આમ ડેમ ખાલી કરતી વખતે અગરોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.