‘’ચિત્રોમાં છુપાયેલ વિજ્ઞાન’’ નામનું ઈનોવેશન રજૂ કરાયુંટંકારા : જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી અને રાજકોટના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામે ત્રિદિવસીય 10મા શૈક્ષણિક ઇનોવેશન ફેસ્ટિવલ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત બાળકો અને શિક્ષકો બંનેને ઉપયોગી થાય તેવું 'ચિત્રોમાં છુપાયેલ વિજ્ઞાન'નામનું હળવદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતું ઇનોવેશન માથક પે.સેન્ટર શાળાના ઇનોવેટિવ શિક્ષક ગોસ્વામી મનદીપગિરિ જયદીપગિરિ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ ઈનોવેશનમાં મનદીપભાઈ દ્વારા ધોરણ 6 થી 8ના વિજ્ઞાન વિષયના વિવિધ મુદ્દાઓમાંથી અગત્યના શબ્દોને પસંદ કરી તેમાં તર્ક અને કઠિનતા મૂલ્ય ઉમેરી ચિત્રોનું સર્જન કરવામાં આવ્યું હતું. આ ચિત્રોમાં છુપાયેલા વિજ્ઞાનના શબ્દો બાળકો શોધે તેનાથી બાળકોની તર્કશક્તિ વિકસે છે જેનાથી સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી વિચાર શ્રેણીનું તેનામાં નિર્માણ થાય છે અને આ ચિત્ર દ્વારા મળતા જવાબ સાથે સુસંગત વિજ્ઞાનનું જ્ઞાન પણ મનદીપભાઈ તેમાં વણી લેતા હોવાથી બાળકોને વિજ્ઞાનના વિવિધ મુદ્દાઓનું જ્ઞાન પણ ચિરંજીવી બને છે. સાથે બાળકો વિજ્ઞાન વિષયના અભ્યાસ કાર્યમાં પણ એકાગ્ર બની રસ લેતા થાય છે.