મોરબી : મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા સો-ઓરડી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી જાનહાનિ થઈ રહી હોય આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી વસીમભાઈ મનસુરીએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં વસીમભાઈ મનસુરીએ જણાવ્યું છે કે, મોરબી શહેરમાં થોડા સમય પહેલા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ થઈ હતી પરંતુ આ ઝુંબેશની કોઈ અસર શહેરના સામાકાંઠા વિસ્તારમાં દેખાતી નથી. ખાસ સો-ઓરડી વિસ્તારમાં મજૂર વર્ગ વધારે વસવાટ કરતો હોય તેઓના બાળકો બહાર રમતા હોય અને વાહનો શેરીમાં બહાર પાર્ક કરેલા હોય છે ત્યારે રખડતાં ઢોરના કારણે જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. ભૂતકાળમાં આવા બનાવો બન્યા હોય આવી ઘટનાનું પુનરાવર્તન ન થયા અને કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય તે માટે રખડતાં ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરી આ સમસ્યામાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.