હળવદમા પ્રથમ બે કલાકમાં 7.58 ટકા વાંકાનેરમા 3.12 ટકા મતદાનમોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભાગરૂપે હળવદ પાલિકાની સામાન્ય અને વાંકાનેર પાલિકાની મધ્યસ્ત્રીય ચૂંટણીમાં આજે સવારે ૦૭ વાગ્યાથી લોકશાહીના મહાપર્વ એવા મતદાનનો તમામ મતદાન મથકો ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે, લગ્નસરાની સિઝનને કારણે મતદારોની પાખી હાજરી જોવા મળી હતી અને ચૂંટણી પંચના આંકડા મુજબ હળવદમા પ્રથમ બે કલાકમાં 7.58, વાંકાનેરમાં 3.12 ટકા અને રાજ્યમાં 6.34 ટકા સરેરાશ મતદાન થયું હતું.મોરબી જિલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય ચૂંટણી અને વાંકાનેર પાલિકાની મધ્યસ્ત્રીય ચૂંટણી માટે આજે મતદાન કરવાનો સમય શરૂ થતાની સાથે જ પાત્રતા ધરાવતા લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં વાંકાનેરમાં મહિલાઓ, યુવાઓ, સિનિયર સિટિઝન મતદાન મથકો ખાતે મતદાન કરવા પહોચ્યા છે. હાલમાં તમામ મથકો પર શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. વધુમાં રાજ્યમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 6.34 ટકા મતદાન થયું હોવાના આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે જેમાં હળવદ નગરપાલિકામાં સરેરાશ 7.58 ટકા મતદાન થયું હતું. જેમાં 1351 પુરુષ અને 730 સ્ત્રી મતદાર મળી કુલ 2081 મતદારોએ મત આપ્યા હતા. જ્યારે વાંકાનેર પાલિકાની ચૂંટણીમાં 675 પુરુષ અને 284 સ્ત્રી મતદારો મળી કુલ 959 મતદારોએ મતદાન કરતા 3.12 ટકા મતદાન નોંધાયું હતું.