મોરબી : તારીખ 15 ફેબ્રુઆરી ને શનિવારના રોજ મોરબી તાલુકાની સરકારી માધ્યમિક શાળા વનાળીયા ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, પંચાયત સભ્યો, વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો તેમજ દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર વિદ્યાર્થીઓને, શાળામાં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓને, તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ શાળા સ્વયંસેવકોને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધોરણ 10 ની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેડ તેમજ ટ્રાન્સપરન્ટ પાઉચ સાથે લેખન સામગ્રી આપવામાં આવી હતી. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ₹2,300/- અને ત્રણેય શિક્ષકો દ્વારા શાળાને આપેલ ₹14700/- કુલ રૂપિયા ₹17000/- ની રકમમાંથી શાળા માટે ભેટ સ્વરૂપે નવું વાઇફાઇ પ્રિન્ટર આપવામાં આવ્યું હતું. ધોરણ 9ના વિદ્યાર્થીઓએ શાળાનો ઓરડો શણગારી ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યાદગાર બનાવ્યો હતો. ધોરણ 10ના દરેક વિદ્યાર્થીઓએ દીપ પ્રગટાવી સમાજમાં જ્ઞાનનું અજવાળું પાથરવાનો સંકલ્પ કર્યો. કાર્યક્રમના અંતે સમૂહ ફોટાની યાદગીરી અને હળવા નાસ્તા સાથે આ યાદગાર દિવસ પૂર્ણ થયો હતો.