આ વિસ્તારમાં કોઈ મોટી ડસ્ટબીન કે ગાર્બેજ કલેક્શનની સુવિધા ન મળતી હોવાના સ્થાનિકોના આક્ષેપ : કચરો આરોગીને ગાયોના જીવ પણ જોખમાય છેમોરબી : મોરબીમાં માધાપર શેરી નં. 24 અને અંબિકા રોડ પર મોટા પ્રમાણમાં ગાયો એકત્ર થતી હોય ઉપરાંત અહીં કચરાના ઢગલા હોય, સ્થાનિકોને હાલાકી પડી રહી છે. વધુમાં ગાયો પણ પ્લાસ્ટિકનો કચરો ખાતી હોય તેના જીવ જોખમાઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબીમાં સોમૈયા સોસાયટીનો ગેઈટ બંધ હોવાથી આ વિસ્તારમાં દરરોજ મોટા પ્રમાણમાં ગાયો એકઠી થઈ જાય છે. આ દરમ્યાન માધાપર શેરી નં. 24 અને અંબિકા રોડ પરના રહીશોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ વાહન ચાલકોએ પણ પરેશાની ભોગવવી પડે છે. તો બીજી તરફ આ નાળામાં આસપાસના રહીશો દ્વારા કચરો પણ નાખવામાં આવતો હોવાથી ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે. ત્યારે આ અંગે અનેક વખત રજુઆત કરવામાં આવવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આ વિસ્તારમાં કોઈ મોટું ડસ્ટબીન ન હોવાથી તેમજ પાલિકાની ગાડી પણ કચરો એકઠો કરવા ન આવતી હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર લખધીર ફાટક સુધી જતા આ નાળામાં કામગીરી કર્યા હોવાની વાત માત્ર કાગળ પર જ દર્શાવવામાં આવી છે. પરંતુ હકીકતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ચોમાસા દરમ્યાન પણ આ નાળામાં પાણી ભરાઈ જાય છે. તેમજ અનેક ગાય નાળામાં પડતા તેનું મૃત્યુ થાય છે. આ દરમ્યાન પણ રહીશો દ્વારા જાતે જ ગાયને નાળામાંથી બહાર કાઢવાની કામગીરી કરવી પડે છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.