નવા બનેલા રોડ ઉપર ઢંગધડા વગરના થીગડા લાગ્યા તેમાં પણ કલાકોમાં ગાબડા પડી ગયા મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર એક ઇંચ ઊંચું થીગડું લગાવી વાહનચાલકોના જીવ જોખમમાં મૂકી દેવાયા છે. અહીં એક ઇંચ ઊંચી થીગડાની કડ દરરોજ ટુ-વ્હીલરના અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. અધિકારીઓ આ રોડની વિઝિટ લ્યે તો જ ખ્યાલ આવે કે રોડના કામમાં કઈ રીતે થઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર રવાપર રોડ હજુ તાજેતરમાં જ બનાવીને ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેવામાં ભારત પાન પાસેના રોડમાં અગાઉ પણ થીગડા મારવામાં આવ્યા હતા. ત્યારે ફરી આ રોડ ઉપર થીગડા મારવાની નોબત આવતા આજે જ થીગડા લગાવવામાં આવ્યા છે. પણ આ થીગડા રોડથી એક ઇંચ ઉંચા મારવામાં આવ્યા છે. જેથી આ થીગડાની એક ઇંચ ઊંચી કડ દરરોજ અકસ્માત નોતરે તે સ્પષ્ટ જણાઈ આવે છે. વધુમાં આ થીગડા પણ લગાવ્યાના કલાકોમાં જ તેમાં પણ ગાબડા પડી ગયા છે. આ મામલે સિટી ઈજનેર હિતેશ આદ્રોજાએ જણાવ્યું કે આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.