જનભાગીદારી પ્રોજેક્ટના સિમેન્ટના જથ્થાનો વપરાશ ન થતા સિમેન્ટ જામીને પથ્થર થઈ ગઈ મોરબી : મોરબી નગરપાલિકાના શાસન દરમિયાન પ્રજાના પૈસાનું પાણી નહીં પણ પથ્થર કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી હકીકત કોર્પોરેશન બહાર લાવ્યું છે, મોરબી શહેરમાં જનભાગીદારીથી સોસાયટીઓમાં આરસીસી રસ્તા બનાવવાના પ્રોજેક્ટ બનાવવા માટે લાખોના ખર્ચે મંગાવાયેલ સિમેન્ટ વાપર્યા વગર પડી રહેતા જામીને પથ્થર બની ગઈ છે, હવે કોર્પોરેશન આ સિમેન્ટનો નિકાલ કરશે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહાનગર પાલિકાના ગાર્ડન વિભાગની બાજુમાં મેદાનમાં જામીને પથ્થર બની ગયેલી સિમેન્ટની 400 જેટલી બેગ ખડકલો કરવામાં આવતા કોર્પોરેશનના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત બન્યા છે, બીજી તરફ સિમેન્ટની આ બેગ અંગે મોરબી કોર્પોરેશનના આર એન્ડ બી વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, વર્ષ 2020માં મોરબી નગર પાલિકા દ્વારા જનભાગીદારીથી રસ્તા બનાવવા માટે મટીરીયલ આપવામાં આવતું હતું જેમાં મજૂરીના પૈસા જે તે સોસાયટીના રહીશોએ આપવાના થતા હતા. આ યોજના અન્વયે સિમેન્ટ મંગાવવામાં આવી હોવાનું જાહેર કરાયું હતું.બીજી તરફ સિમેન્ટની એક સાથે 400 જેટલી થેલીઓ પથ્થર બની જતા આ સિમેન્ટની થેલીઓ લીલાપર આવાસ યોજનામાં રાખી મુકવામાં આવી હોવાનું અને ત્યાંથી કોર્પોરેશન દ્વારા ઉપડાવી લઇ હાલમાં કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે મુકાવવામાં આવી છે. હવે આ સિમેન્ટની ચકાસણી કર્યા બાદ મહાનગર પાલિકા દ્વારા સિમેન્ટનો આ જથ્થો ડિસ્ટ્રોઇ કરવા અંગે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.