આજે ૧૩ ફેબ્રુઆરી - વિશ્વ રેડિયો દિવસ : રેડિયો મનોરંજન, શિક્ષણ અને ઉપયોગી માહિતી માટે સરળ અને સુલભ માધ્યમ તરીકે અકબંધડિજિટલ યુગમાં રેડિયો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ ઉપલબ્ધ, ‘‘ન્યૂઝ ઓન એર’’ એપ પરથી લોકો સાંભળી શકે છેમોરબી : આજના AI (આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ) અને સોશિયલ મીડિયાના જમાનામાં રેડિયોનું મહત્વ અકબંધ રહ્યું છે. રેડિયો સાથે દરેકના બાળપણની યાદો જોડાયેલી છે. સ્માર્ટફોન આવ્યા બાદ લોકોના મનમાં એવુ હતું કે, રેડિયો વિસરાઈ જશે પરંતુ આજે ડિજિટલ યુગમાં પણ રેડિયો પ્રત્યે લોકોની રૂચિ જરાય ઓછી થઈ નથી. જનસંચારનું વિશ્વસનીય અને સચોટ માધ્યમ તરીકે રેડિયા આજે પણ કાયમ છે. યૂનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૧થી દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીને દુનિયાભરમાં ‘વર્લ્ડ રેડિયો ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ હતી. જેનો હેતુ મીડિયા અને લોકો વચ્ચે રહેલા રેડિયોના માધ્યમને વધુ મજબૂત બનાવવાનો છે. રેડિયોના માધ્યમથી લોકોને વિશ્વસનીય સૂચના અને જાણકારી મળે છે. આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે એવા લોકો સાથે વાત કરવા જઈ રહ્યા છે જેઓ ખેડૂતો, મહિલાઓ અને યુવા વર્ગ સુધી પહોંચવા માટે રેડિયોને અસરકારક માધ્યમ તરીકે માને છે.પહેલા એવો સમય હતો કે, દિવસની શરૂઆત રેડિયો સાંભળવાથી થતી હતી. ટીવી પાસે સતત બેસી રહેવુ પડે છે જ્યારે રેડિયો હાલતા ચાલતા અને કામ કરતા કરતા પણ આપણને મોજ કરાવે છે. રેડિયોનું મહત્વ આજના સમયમાં પણ અન્ય માધ્યમો કરતા જરાય પણ ઓછુ આંકી શકાય નહીં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ દેશવાસીઓને પોતાના મનની વાત કહેવા માટે રેડિયો પર આવે છે. પીએમ મોદીએ રેડિયોને ફરીથી લોકોના ઘરો સુધી પહોંચાડ્યો છે.દર કલાકે અને દર મિનિટે રેડિયો વિશ્વભરના લોકોને સર્વકાલીન મનોરંજન પ્રદાન કરી તેમનો શ્રેષ્ઠ મિત્ર રહ્યો છે. રેડિયો શક્તિશાળી છે તેઓ લાખો કાન સુધી પહોંચી શકે છે. યુવાનોના વ્યક્તિત્વના વિકાસ અને ચારિત્ર નિર્માણ, સંસ્કારોનું સિંચન, વિવિધ સંગીતો, લેટેસ્ટ માહિતી, સમાચારો, સરકારની વિવિધ યોજનાઓની માહિતી, શિક્ષણનો પ્રચાર, અભિવ્યક્તિની સ્વાતંત્રતા, રાષ્ટ્રીય નિર્માણ, સ્વાસ્થ્ય, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી અનેક કાર્યોમાં રેડિયોની ભૂમિકા મહત્વની રહી છે. આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને અસરકારક માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બન્યું છે. હાલના ડિજિટલ યુગમાં રેડિયો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ ઉપલબ્ધ છે જે પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ્લિકેશન ‘‘ન્યૂઝ ઓન એર’’ પરથી સમગ્ર ભારતમાં ચાલતા વિવિધ આકાશવાણી કેન્દ્રના લાઈવ બ્રોડકાસ્ટ સાંભળી શકાય છે. આ રેડિયોનું ડિજિટલકરણ હાલના ડિજિટલ યુગના યુવાનોને કનેક્ટ કરે છે. ભારતમાં રેડિયોનો વર્ષો જૂનો ટ્રેન્ડ આજે પણ જળવાયેલો રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ‘મન કી બાત’ અને ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમો થકી રેડિયોને ફરી ધબકતો કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. આવનારાં દિવસોમાં રેડિયોમાં કારકિર્દી હોય કે પછી એનાં માધ્યમ થકી લોકહૃદય સુધી પહોંચવાની વાત હોય તો રેડિયો જરૂરથી સોળે કળાએ ખીલતો રહેશે.