લારી- ગલ્લાવાળાને હટાવાયા, નડતરરૂપ ઓટા તોડી નખાયા : અધિકારીઓ, સફાઇ કર્મચારીઓ અને સંસ્થાઓએ રોડ ઉપર કરી સાફ - સફાઈ મોરબી : મોરબી મહાનગરપાલિકા સ્વચ્છતા અને દબાણને લઈને વધુને વધુ સક્રિય બની રહી હોય તેમ આજે નહેરૂગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધી સફાઇ અને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે નહેરૂગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધી સફાઇ અને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ અન્ય અધિકારીઓ અને સંઘના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો.ભાડેશીયા સહિતના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી. આ વેળાએ સાફ સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત લારી ગલ્લાવાળાઓને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. આ સાથે નડતરરૂપ ઓટલા જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ કે શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ અંતર્ગત દર બીજા અને ચોથા ગુરૂવારે મુખ્ય વિસ્તારમાં સફાઈ કરવામાં આવશે. અગાઉ આ ઝુંબેશ અંતર્ગત મચ્છુ નદીની સફાઈ કરવામાં આવી હતી. આજે નહેરુગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધીની સફાઈ કરવામાં આવી રહી છે. હવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ સફાઈ કરવામાં આવશે. નાગરિકોને સહકાર આપવા અપીલ છે. નગરદરવાજા આપણા શહેરની ઓળખ છે. ત્યાં સ્વચ્છતા જાળવવાની કોર્પોરેશનની ઉપરાંત નગરજનોની પણ ફરજ છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે સરકાર આગવી ઓળખ અંતર્ગત ગ્રાન્ટ આપે છે. જેના હેઠળ મોરબી મહાપાલિકા દરખાસ્ત કરશે. આ દરખાસ્ત મંજુર થયે નગરદરવાજા અને ગ્રીન ચોકને સુશોભીત કરવામાં આવશે.સંઘના પશ્ચિમ ક્ષેત્રના સર સંઘચાલક ડો.ભાડેશિયાએ જણાવ્યું કે મહાનગરપાલિકા આવ્યા બાદ અધિકારીઓની સંખ્યા વધી છે. કામ કરવાની પદ્ધતિ સુધરી છે. નિયમોની કડક અમલવારી થઈ રહી છે. લોકોએ પણ હવે અનુશાસનબદ્ધ વર્તવું પડશે. સ્વચ્છતા જાળવવી પડશે. નાગરિકોમાં સ્વઅનુશાસનની વધુ જરૂર છે.