ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ કરવાની માંગ સાથે ABVP દ્વારા ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃતિ બંધ કરતા પરિપત્રોની હોળી, રસ્તા રોકો તથા સદ્દબુદ્ધિ હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.ABVPના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા 28 ઓક્ટોબર 2024 ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ, નર્સિંગ જેવી કોલેજમા સ્કોલરશિપ સહાયથી એડમિશન લઈ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલો હોવાથી ખુબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાયા છે તથા રોષની લાગણી અનુભુવી રહ્યા છે. સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશિપ બંધ થઇ જતાં ફી ઉઘરાવતા કેટલાય જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું જણાઇ રહ્યું છે. ABVP દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં કલેક્ટરના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવ્યું છે. બહોળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી, રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી અભાવિપ સ્પષ્ટ માંગ કરે છે કે, શિષ્યવૃતિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ 24-25માં પ્રવેશ લીધેલ વિધાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહિ તથા વેકેન્ટ/ગવર્મેન્ટ ક્વોટા સીટોને મેનેજમેન્ટ ક્વોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ્દ કરવામાં આવે.રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે, ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રાધ્યાપકના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવેલ છે. ગત વર્ષે પણ ABVP દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવાના મુદ્દા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતના કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ ઇચ્છુક વિધાર્થીઓને રાહતદરે સુલભ શિક્ષણ મળી રહે તે માટે તમામ ગ્રાન્ટેડ લો કોલેજોની સ્થિતિમાં સુધારો અતિઆવશ્યક જણાઇ રહ્યો છે. વિધાર્થી હિતમાં ABVP રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન થકી સ્પષ્ટ માંગ કરે છે કે, સરકાર દ્વાર રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારા- ધોરણો પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે, આ તમામ કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તથા ત્વરિત પણે પ્રશ્નના નિરાકરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવે.ABVP ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું છે કે, 'ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિરોધ હેતુ રસ્તા પર છે ત્યારે આ માત્ર એક શરૂઆત છે. ABVPની આ બંને વિષયો પરની માંગો સ્વીકારવામાં નહિ આવે તો આનાથી મોટા સ્વરૂપમાં વિદ્યાર્થી શક્તિ આંદોલનનો માર્ગ અપનાવશે.