છેલ્લા ઘણા સમયથી રસ્તા પર ઉભરાતા ગટરના પાણીથી લોકો ત્રસ્ત : તાકીદે ઉકેલ લાવવા કરાઈ માંગ મોરબી : મોરબીમાં શનાળા રોડ પર જીઆઇડીસી પાસે આવેલ અરિહંત સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરનો પ્રશ્ન હોય ત્યારે આ પ્રશ્નનો ઉકેલ ન આવતા આજે મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રજુઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, મોરબીમાં અનેક વિસ્તારોમાં વારંવાર ગટરના પાણી ઉભરાવાની, ખુલ્લી ગટરના ઢાંકણા તૂટવા વગેરે જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્યારે આજે શનાળા રોડ પર આવેલી જીઆઇડીસી પાસે આવેલ અરિહંત સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરનો પ્રશ્ન હોય જેની રજુઆત માટે મહાનગરપાલિકા કચેરી ખાતે વિસ્તારની મહિલાઓ પહોંચી હતી. આ દરમ્યાન સોસાયટીના રહીશ પારુલબેન ધર્મેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, અરિહંત સોસાયટીમાં ગટરનું પાણી ચોમાસા સિવાય પણ રસ્તા પર ભર્યું રહે છે. અનેક વાર રજુઆત કરતા માત્ર દિલાસો આપવામાં આવે છે પરંતુ કોઈ કામ થતા નથી. સફાઈ કર્મીઓના આવ્યા પછી પણ એજ સ્થિતિ રહે છે. ગટરોને પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધ્યો છે. આ સ્થિતિથી બુજુર્ગો પણ પરેશાન છે. આ દરમ્યાન અન્ય એક રહીશ મહિલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ગટરનું પાણી ખૂબ ભરાયેલું રહે છે. જેના કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. લોકો શેરીમાં બેસી નથી શકતા. તેમજ નાના બાળકો બીમાર પડી જાય છે. અહીં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ત્યારે જો સફાઈ કરવામાં નહીં આવે તો ફરી મહિલાઓ સાથે મળીએ રજુઆત કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ કરવામાં આવતો નથી.