મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબીના એન.એસ.એસ. એકમ દ્વારા ખાખરાળા ગામે 5 થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજવામાં આવેલ કેમ્પના સાતમા અંતિમ દિવસે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ દિવસે સવારના નિત્યક્રમ બાદ સ્વયંસેવકોએ પ્રથમ સેશનમાં ખાખરાળા ગામમાં જઈને ગ્રામજનોનો સંપર્ક કર્યો હતો અને તે સૌની શુભેચ્છા મુલાકાત લીધી હતી.ભાઈઓ-બહેનોના જુદા-જુદા ગ્રુપ છ દિવસ દરમિયાન ગામના જે મોટાભાગના વિસ્તારોના લોકોને મળ્યા હતા તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી, ‘આવજો’ કહેવા ગયા હતા. શુભેચ્છા મુલાકાત દરમિયાન ગ્રામજનોનો પ્રતિભાવ હતો કે 'તમે હજુ થોડા દિવસ રોકાઈ જાવ તો વધુ સારું', કોઈ એમ કહેતું હતું કે 'તમારી પ્રભાતફેરીથી અમારી સવાર થતી'. તો વળી કોઈ એમ કહેતું કે 'હવે વેકેશનમાં આટો દેવા આવજો'. 'તમે ગામમાં ઘણું સારું કરી ગયા છો' એવો પણ પ્રત્યુતર મળેલ. આ હતી આ શિબિરની ખરી સફળતા. ત્યારબાદ ખાખરાળા તાલુકા પ્રાથમિક શાળાના બાળકોને સ્વયંસેવકો દ્વારા ઇનામ વિતરણ કરાયું હતું.બપોર પછીના સેશનમાં વાર્ષિક શિબિરનો સમાપન સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેશિયા, જેમનો સમગ્ર શિબિરમાં ખુબ જ સહકાર મળી રહ્યો હતો એવા શિક્ષક મહેષભાઇ ડાંગર, કોલેજના પ્રા. જે. એમ. કાથડ તેમજ પ્રા. રેખાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શિબિરાર્થીઓએ પોતાના વાર્ષિક શિબિરના સાત દિવસના અનુભવો રસ પૂર્વક જણાવ્યા હતા. તેમજ ભાડેશિયા સાહેબે વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્ર, દેશભાવના તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાની ઘણી બધી વાતો કરી હતી અને વિદ્યાર્થીઓને ખૂબ જ રસ પડે એવું વ્યાખ્યાન આપ્યું હતું. અનેક દ્રષ્ટાંતો આપીને ભાડેશિયા સાહેબે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર એટલે શું તે સમજાવ્યું હતું.ખાખરાળા પ્રાથમિક તાલુકા શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ પણ પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમ જ એન.એસ.એસ. કોઓર્ડીનેટર ડો. રામભાઈ વારોતરીયાએ સમગ્ર શિબિરનું વિહંગાવલોકન રજૂ કરી શિબિરની સફળતામાં સહભાગી સૌનું આભારદર્શન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કવિતાબા ઝાલાએ કર્યું હતું.