પ્રદુષણ નિયંત્રણ બોર્ડની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવતા કાર્યવાહી કરાઈમોરબી : મોરબીમાં કોલગેસનો પેચીદો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી અને કરોડો રૂપિયાના દંડની તલવાર લટકી રહી છે તેવા સમયે જ મોરબી જિલ્લામાં સીરામીક એકમોમાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ થતો હોવાની ફરિયાદ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસમાં ત્રણ ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ થતો હોવાનું ખુલતા ત્રણેય ફેકટરીઓને ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ્ટ કરાવી નાખી ગાંધીનગર રિપોર્ટ કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.મોરબી જિલ્લામાં છાનેખૂણે સીરામીક ફેકટરીઓમાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ થતો હોવાની ફરિયાદ ડિસેમ્બર માસમાં મળતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.વધુમાં જીપીસીબીના મોરબી કચેરીના અધિકારી મહેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે, પ્રદુષણ બોર્ડની તપાસમાં રંગપર રોડ ઉપર આવેલ સેલિયો સીરામીક, જેતપર રોડ ઉપર આવેલ નીલકંઠ સીરામીક અને મોઝારો સીરામીક ફેકટરીમાં પેટકોકનો વપરાશ થતો હોવાનું સામે આવતા ત્રણેય ફેકટરીઓને ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન પણ કાપી નાખવા કાર્યવાહી કરી આ બાબતે ગાંધીનગર વળી કચેરીને રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, હાલમાં સીરામીક ઉદ્યોગમાં મંદીનો માહોલ છે ત્યારે ખર્ચ બચાવવા માટે સીરામીક ઉદ્યોગકારો દ્વારા પેટકોકનો વપરાશ શરૂ કરાયાના બહાના પણ વહેતા થયા છે તેવા સમયે જ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા આકરા પગલાં લઈ પ્રતિબંધિત પેટકોક વપરાશ કરનાર ત્રણ સીરામીક ફેકટરીઓ સામે કડક કાર્યવાહી કરતા મોરબીમાં ફરી કોલગેસનો કદડો અને પ્રદૂષણના વિવાદ જાગવાની પણ શક્યતા જોવાઈ રહી છે.