મોરબી : હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા વેલેન્ટાઈન વીકની ઈકો વીક તરીકે ઉજવણી કરીને પર્યાવરણને ઉપયોગી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓએ સ્વચ્છ ભારત, સુંદર ભારતના નારા પણ લગાવ્યા હતા.કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી કોલેજ દ્વારા વેલેન્ટાઈન વીક ઉજવવાના બદલે ઈકો વીક ઉજવવાનું આયોજન કરાયું છે. જેમાં અમે પર્યાવરણને લગતી કામગીરી કરી રહ્યા છીએ. જે અંતર્ગત આજે અમે બસ સ્ટેન્ડમાં સાફ સફાઈ કરવા આવ્યા છીએ. આ સફાઈ અભિયાનમાં 150 જેટલી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો છે. આ સફાઈ અભિયાનમાંથી અન્ય લોકો પણ પ્રેરણા લેશે તેમ વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું.જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, એક અઠવાડિયાથી અમારી કોલેજ દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિને લગતાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. મોરબી આપણું પોતાનું શહેર છે. તે સ્વચ્છ અને સુંદર રહે તે માટે વિદ્યાર્થિનીઓ દ્વારા આજે સફાઈ અભિયાન હાથ ધરાયું છે. દરેક સંસ્થાઓ અને શૈક્ષણિક સંકુલો પણ આ ડ્રાઈવમાં જોડાય અને જાહેર સ્થળોને સ્વચ્છ કેમ રાખવા તે અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવે.