મતદાન મથકો ઉપરની વ્યવસ્થા તેમજ મતદાન પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરીહળવદ : હળવદ નગરપાલિકાની ચૂંટણીને પગલે સંવેદનશીલ બુથોની કલેકટર અને એસપીએ મુલાકાત લીધી હતી. બન્ને અધિકારીઓએ મતદાન મથકો ઉપરની વ્યવસ્થા તેમજ મતદાન પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. હળવદ નગરપાલિકાની 28 બેઠકોની આગામી 16મીએ ચૂંટણી યોજાનાર છે. 14 બિલ્ડીંગમાં 30 બુથ છે. જેમાં 33 હજાર જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જેમાં 11 મતદાન મથકો સંવેદનશીલ છે. આ સંવેદનશીલ મતદાન મથકોની આજે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીએ મુલાકાત લીધી હતી. આ વેળાએ પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, પીઆઇ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. કલેકટર અને એસપી દ્વારા મતદાનની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.