ઢુંવા ખાતે બેંકનું કામ પતાવી નાગલપર ઘેર જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના નાગલપર ગામે રહેતો પરિવાર ઢુંવા ખાતે બેંકનું કામ પૂર્ણ કરી બાઈક ઉપર ઘેર પરત ફરતો હતો ત્યારે માટેલ નજીક કાળમુખા ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીની નજર સામે જ છ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.ગમખ્વાર અકસ્માતની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામે રહેતા કુંવરજીભાઇ જીલાભાઈ રાતોજા તેમના પત્ની જાનાબેન, દીકરી અર્ચના અને દીકરા સુરેશને લઈ ઢુંવા ખાતે એસબીઆઈ બેંકે આવ્યા હતા અને બેંકનું કામ પતાવી ઘેર બાઈક ઉપર પરત જતા હતા ત્યારે માટેલ અને જામસર ચોકડી વચ્ચે ખોડિયાર માતાજીના પરબ પાસે અજાણ્યા કાળમુખા ડમ્પરે પાછળથી ઠોકર મારતા આ અકસ્માતમાં કુંવરજીભાઇ, જાનાબેન, અર્ચનાને ઇજા પહોંચી હતી અને તેમના પુત્ર સુરેશ ઉ.6ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.