માલધારી સમાજના વાડા તોડી દબાણ હટાવાતા માલધારીઓમાં રોષહળવદ : હળવદ તાલુકાના મંગળપુરમાં માલધારી સમાજના વાડા તોડી પાડીને દબાણ હટાવાતા મંગળપુરના રહીશ રૂપાભાઈ રેવાભાઈ ગોલતર દ્વારા ગામના રહીશોને સાથે રાખી હળવદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, માલધારી સમાજ છેલ્લા 50 વર્ષથી હળવદ તાલુકાના મંગળપુર ખાતે રહે છે અને આટલા સમયથી ઢોર રાખવા માટે તેમજ તેમને નાખવામાં આવતું નીર રાખવામાં આવે છે. જે માલધારી સમાજના જીવન નિર્વાણનું મુખ્ય સાધન છે. પશુપાલન દ્વારા માલધારીનું જીવન નિર્વાણ થાય છે. એ પશુઓના રખરખાવ માટે વાડા બનાવવામાં આવ્યા છે. જે પશુઓને ટાઢ, તડકો અને વરસાદ ત્રણેય ઋતુમાં રક્ષણ આપે છે. ત્યારે ગત તા. 10-2-2025ના રોજ બપોરે 1 કલાકે તાલુકા પંચાયત કચેરીથી તલાટીમંત્રી, સરપંચ તથા અન્ય કર્મચારીઓ જે.સી.બી. લઈને અચાનક આવી અને પૂર્વે કોઈ માહિતી, જાણ કે નોટીસ આપ્યા વગર અંદાજે 6 જેટલા વાડાઓ તોડી નાખ્યા હતા. જેના કારણે ઢોરમાં નાસભાગ મચી હતી અને ઢોર રજળી પડ્યા છે. માલધારી સમાજ પ્રત્યે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનું પણ જણાવાયું છે. ત્યારે આ મામલે નક્કર પગલા લેવા માગ ઉઠી છે.