ધોળા દિવસે દીપડાએ આંટાફેરા કરી એક બકરીનું મારણ કર્યું હતુંમોરબી : મોરબીના ચકમપર ગામે આજે ધોળા દિવસે આંટાફેરા કરીને એક બકરીનું મારણ કરનાર દીપડો અંતે પકડાઈ ગયો છે. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આ દીપડો આવી જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. મોરબી જિલ્લામાં વાંકાનેર પંથકમાં દીપડાની મોટાપ્રમાણમાં વસ્તી છે ત્યારે અગાઉ રાજપર અને વાવડી સુધી પહોચીં ગયેલ દીપડાએ મોરબી તાલુકાના ચકમપર ગામે દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચકમપર ગામે આજે મંગળવારે ભોજીયાવાળા વોંકળામાં દીપડો જોવા મળ્યો હતો અને દીપડાએ ધોળા દિવસે માલધારીના વાડામાં રહેલી બકરીનું મારણ કરતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે પાંજરા પણ ગોઠવી દીધા હતા. પરિણામે રાત્રીના સમયે દીપડો પાંજરે પુરાઈ ગયો છે. જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.