એપ્રિલ- 2024થી અત્યાર સુધીમા 13.49 કરોડનો વેરો જમા થયો : 88 હજાર પૈકી 23 હજારથી વધુ લોકોએ વેરો ભરપાઈ કર્યોમોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં હવે કોર્પોરેશનના સત્તાધીશોએ વેરા વસુલાત ઝુંબેશ વધુ સઘન બનાવી વર્ષોથી વેરો નહિ ભરતા લોકોની મિલકતો સીલ કરવાનું શરૂ કરતા જ કોર્પોરેશનની તિજોરીમાં આવક શરૂ થઈ છે. જાન્યુઆરી મહિનામાં કોર્પોરેશનને 1.88 કરોડની વિક્રમી આવક નોંધાઇ હતી. અત્યાર સુધીમાં મોરબી મહાપાલિકાની તિજોરીમાં 13.49 કરોડ વેરો જમા થયો છે.મોરબી શહેરમાં નગરપાલિકા કાળમાં ક્યારેય પણ વેરા વસુલાતની કામગીરી કડક અને સઘન રીતે ન કરવામાં આવી હોવાથી મોરબી શહેરમાં અનેક લોકો આજે પણ વેરો ભરવા દરકાર લેતા નથી. જો કે, મોરબી નગરપાલિકાના સત્તાધીશો અને બાદમાં હવે મહાનગર પાલિકાના સત્તાધીશોએ વેરા વસુલાતને સઘન બનાવી એક લાખથી વધુ રકમ બાકી હોય તેવા આસમીઓને ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ કરતા એકલા જાન્યુઆરી માસમાં જ મહાનગર પાલિકાને 1.88 કરોડની આવક થઈ હતી.મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીના જણાવ્યા પ્રમાણે મોરબી શહેરમાં કુલ 88 હજાર મિલકત ધારકો નોંધાયેલ છે જેમાંથી અત્યાર સુધીમાં 23704 લોકોએ વેરો ભર્યો છે. વધુમાં જાન્યુઆરી માસમાં 1, 88,71, 264ની વેરા વસુલાત કરવામાં આવતા એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં કુલ મળી 13,49,07,753ની વસુલાત થવા પામી હોવાનું તેમને જણાવ્યું હતું.રૂ.1 લાખથી વધુ બાકી હોય તેવા 330ને નોટિસમોરબી કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસૂલવા ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 450 અસામીઓ પૈકી 330 આસામીઓને નોટિસ ફટકારી શહેરના લાતીપ્લોટમાં એક સાથે પાંચ મિલકત સીલ કરી અત્યાર સુધીમાં બાકી વેરા પેટે 8 મિલકતો સીલ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી કમિશનરે જાહેર કર્યું હતું.લોકોને ઓનલાઈન વેરો ભરવાની સુવિધા, રજાના દિવસે પણ કામગીરીમોરબી કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષના અંત સુધીમાં વધુમાં વધુ વેરો વસૂલવા માટે આગામી 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ વેરો સ્વીકારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ઓનલાઈન વેરો પણ સ્વીકારવામાં આવી રહ્યો હોય 1607 લોકોએ રૂપિયા 73 લાખથી વધુની રકમ ઓનલાઈન ભરપાઈ કરી હોવાનું સામે આવ્યું છે. મોરબીના નાગરિકો www.enagar.gujarat.gov.in ઉપર ઓનલાઈન વેરો ભરી શકે છે.