લીલા વસ્ત્રો પહેરી રેલી યોજી : જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓની અનોખી પહેલ મોરબી : હાલ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે પ્રથમ દિવસને રોઝ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજથી મોરબીની જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રકૃતિ અંગે જાગૃતિ લાવવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે શુક્રવારે છાત્રોએ લીલા વસ્ત્રો પહેરી રેલી યોજી હતી.મોરબીની જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા વેલેન્ટાઈન વીકની અનોખી રીતે ઉજવણી કરવા નક્કી કરી આ આખું અઠવાડિયું પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા તેમજ તેનું રક્ષણ અંગેની જાગૃતિ લાવવા અલગ અલગ પ્રોગ્રામો યોજવામાં આવશે. જેમાં શુક્રવારે પ્રથમ દિવસે રોઝ ડેની ઉજવણી કરવાને બદલે વૃક્ષો, પર્યાવરણના જતન અંગે જાગૃતિ લાવવા તમામ વિદ્યાર્થિનીઓ દ્વારા લીલાં રંગનાં વસ્ત્રો પહેરી રેલીનું આયોજન કરાયું હતું. તેમજ પ્રોગ્રામના અંતે કોલેજમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.