કચરો સળગાવવા બદલ દંડનીય કાર્યવાહી થશેઃ કમિશનરમોરબી મહાનગરપાલિકાની રચના થયા બાદ મોરબી શહેરમાં સફાઈ બાબતે વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને 43 હેન્ડ કાર્ટ, 400 હેન્ડ ગ્લોઝ, 400 રેડિયમ જેકેટ અને 25 ભુગર્ભ કામદારોને સેફ્ટી કીટનું મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડે. મ્યુનિસિપલ કમિસનર સંજય સોનીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, આજે મોરબી મહાનગરપાલિકાના તમામ સફાઈ કામદારોને રેડિયમ જેકેટ આપવામાં આવ્યા છે જેથી અકસ્માત થતાં બચાવી શકાય. સ્વચ્છતા જાળવવા માટે હેન્ડ ગ્લોઝ, હેન્ડ કાર્ટ અને બકેટ આપવામાં આવ્યા છે. સાથે જ આ દરેક વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવા સફાઈ કામદારોને જણાવાયું છે. વધુમાં કમિશનરે જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ સુચના આપવા છતાં કચરો ફેલાવતા હોય તો તે બાબતે ઝોનલ ઈન્ચાર્જને જાણ કરવા જણાવાયું છે. હાજરી જાળવવા પણ આગ્રહ કરવામાં આવ્યો છે. જો કોઈ નગરજન અથવા સફાઈ કર્મચારી કચરો સળગાવશે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ કમિશનરે જણાવ્યું હતું. જુદા જુદા વિસ્તારમાં ડોર-ટુ-ડોર કલેક્શન અને સ્વિપિંગ વધારવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી તે દરખાસ્ત રાજ્ય સરકારે મંજૂર કરી દીધી છે. તે બદલ કમિશનરે સરકારનો આભાર માન્યો હતો.