મોરબી : સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બે વર્ષના કેદાર નામના બાળકનું મોત નિપજ્યું છે. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક પરિવારને દીકરો ગુમાવવો પડ્યો છે. ત્યારે મોરબીમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે.મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે, મોરબી શહેરમાં ઘણી જગ્યાએ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં અથવા ખુલ્લા છે. જેના લીધે સુરત જેવી ઘટના મોરબીમાં પણ બની શકે છે અને કોઈનો જીવ પણ જઈ શકે છે. તેથી મોરબી મહાનગરપાલિકાના કમિશનર ખુદ સ્થળ તપાસ કરીને આવી ખુલ્લી ગટરો અંગે તપાસ કરે અને તાત્કાલિક ધોરણે જ્યાં ગટરના ઢાંકણા તૂટેલા હોય અથવા ખુલ્લી ગટર હોય ત્યાં ઢાંકણા નાખીને ગટર યોગ્ય રીતે ઢાંકવામાં આવે.