મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. ત્યારે મોરબીના સનરાજ પાર્ક વીશીપરા શેરી નંબર 1 અને 2માં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.સ્થાનિક હનિફભાઈ સુમરાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, સનરાજ પાર્ક વીશીપરા શેરી નંબર 1 અને 2માં છેલ્લા 5 મહિનાથી ગટર ઉભરાઈ રહી છે. આ અંગે મોરબી નગરપાલિકામાં પાંચ વખત રજૂઆત કરી છે. તાજેતરમાં 31 જાન્યુઆરીના રોજ પણ મહાનગરપાલિકામાં આ અંગે રજૂઆત કરી છે. પરંતુ કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. શેરીઓમાં ગટરના પાણી ભરાયેલા રહેતા મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળો ફાટી નીકળવાની પણ રહીશોને ડર સતાવી રહ્યો છે. ગટરના પાણી રસ્તા પર ભરાયેલા રહેતા ઘર સુધી દુર્ગંધ આવી રહી છે. ગટર ઉભરાવાની સમસ્યામાંછી ઝડપથી છુટકારો મળે તેવી રહીશો માગ કરી રહ્યા છે.