રહેવા-જમવાની નિઃશુલ્ક સુવિધા છતાં લોકો આશ્રય લેવા ન આવતા હોવાનું સામે આવ્યું મોરબી : મોરબી શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મહારાણી નંદકુંવરબા આશ્રયસ્થાન એટલે કે રેનબસેરા ખાતે ઘરવિહોણા લોકો માટે નિઃશુલ્ક રહેવા જમવાની સુવિધા આપવામાં આવતી હોવા છતાં અનેક પરિવારો અહીં આશ્રય લેવાને બદલે રોડ-રસ્તા ઉપર જ આશ્રય લેતા હોય મોરબી કોર્પોરેશન દ્વારા રાત્રી દરમિયાન કડકડતી ઠંડીમાં ખાસ ઝુંબેશ યોજી 39 લોકોને અહીં આશ્રય આપી રાત્રી સમયે અહીં આશ્રય લેવા સમજુત કર્યા હતા.મોરબી મહાનગર પાલિકા દ્વારા ઘરવિહોણા અને રસ્તા ઉપર જ રહેતા લોકો માટે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે સ્ટેશન રોડ ઉપર મહારાણી નંદકુંવરબા આશ્રયસ્થાન નિર્માણ કરી અહીં ઘરવિહોણા લોકોને નિઃશુલ્ક રહેવા તેમજ જમવાની સુવિધા આપવામાં આવે છે, અહીંનું સંચાલન હાલમાં સિદ્ધિ ખાદીગ્રામોદ્યોગને સોંપવામાં આવ્યું છે ત્યારે બુધવારે રાત્રે ખુદ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા સહિતની ટીમે અલગ -અલગ વિસ્તારમાં ફરી રાત્રે રોડ ઉપર સુઈ રહેતા લોકોને સમજુત કરી 39 લોકોને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો. સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વધુને વધુ ઘરવિહોણા લોકોને અહીં આશ્રય લેવા અનુરોધ પણ કર્યો હતો.