યોગ, સમાજમાં સ્ત્રીની ભાગીદારી સહિતના વિષય પર તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યુંટંકારા : બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયમાં બોર્ડની વિદ્યાર્થિનીઓની જાગૃતિ અને આત્મવિશ્વાસ કેળવાય તેવા હેતુ સાથે કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ યોગ, સમાજમાં સ્ત્રીની ભાગીદારી, પ્લાસ્ટિક ઈન બોટલ સહિતના વિષય પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે 5 ફેબ્રુઆરીના રોજ સીઆરસી ટંકારા તથા રિજોય એનજીઓ અને સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓરપેટ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા આ વિદ્યાર્થિનીને સ્વસ્થ રીતે પરીક્ષા લખી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટંકારા સીઆરસીમાંથી બી.આર.સી કલ્પેશભાઈ ફેફર અને તમામ તાલુકાના સી.આર.સી ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષભાઈ સાણજાએ વિદ્યાર્થિનીઓને કઈ કારકિર્દી પસંદ કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબી જિલ્લાના કો-ઓર્ડિનેટર રુપલબેન શાહ દ્વારા પણ વિદ્યાર્થિનીઓને તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તે માટે માર્ગદર્શન આપ્યું અને નિષ્ફળતા મળે તો પણ હતાશ ન થવું અને સતત આગળ વધતા રહેવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ઓજ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટના સંચાલક હેતલબેન જોશી દ્વારા પણ કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પ્લાસ્ટિક ઇન બોટલ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ટંકારાના આસ્તાનાબેન પણ સક્રિય રીતે કાર્યક્રમમાં જોડાયા હતા. આઈ.ટી.આઈ કચેરીમાંથી આવેલા તજજ્ઞોએ પણ આઈ.ટી.આઈ ના કોર્સ અને તે થકી સ્કિલ ડેવલપમેન્ટ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ પંચાણભાઈ ભૂત, ઉપપ્રમુખ હીરાભાઈ ફેફર, મંત્રી ધનજીભાઈ ઝાલરીયા, સર્વે ટ્રસ્ટીઓ, કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપરા,આચાર્ય અસ્મિતાબેન ગામી, શાળાના સમગ્ર સ્ટાફ ગણની જહેમતથી ખૂબ સફળ રહ્યો હતો.