ચૂંટણી પૂર્વે તમામ કામગીરી કરવા માગ મોરબી : મોરબીમાં વોર્ડ નંબર-5ના સ્થાનિક પ્રશ્નો બાબતે મોરબી શહેર મહિલા મોરચા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ આરતીબા દિવ્યરાજસિંહ રાણા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, વોર્ડ નંબર-5માં ગટર, પાણી, ભૂગર્ભ, વીજળી લાઈટ, રસ્તાના કામ, ગટરના તૂટેલા ઢાંકણા, તેમજ અન્ય પ્રશ્નો છે. તાજેતરમાં ચૂંટણી નજીક આવી રહી છે. જો આ બધા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આ વિસ્તારના મતદારો નારાજગી વ્યક્ત કરશે. હાલમાં બક્ષી શેરી, બુઢા બાવાની શેરી, ખોખાણી શેરી, જોડિયા હનુમાન શેરીમાં બ્લોક નાખવાના બાકી છે. તેમજ રાજપૂત સમાજની વાડીને ત્યાં બ્લોક નાખવાના બાકી છે. મહેન્દ્ર ઘાટની બજાર પાસે નદી કાંઠે લોડર ફેરવવું, તેમજ ઘાટ ઉપર પાળી તૂટી ગયેલ હોવાથી ગાયો નીચે પડી જાય છે. ત્યારે ચૂંટણી પૂર્વે આ તમામ કામગીરી કરવા માગ કરવામાં આવી છે.