ઘરના પ્રસંગ માટે પણ રજા ન આપતા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સ્વૈચ્છીક રાજીનામુ મૂક્યું મોરબી : મોરબી મહાનગર પાલિકામાં કામના ભારણના કારણે આગાઉ પાંચ અધિકારીઓએ રાજીનામા ધરી દીધા બાદ સોમવારે વર્કશોપ, મિકેનિકલ અને સ્ટોર વિભાગની ત્રણ-ત્રણ જવાબદારી સંભાળતા કર્મચારીએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સ્વૈચ્છિક રાજીનામુ ધરી દેતા કોર્પોરેશનના કર્મચારીઓમાં ચણભણાટ શરૂ થયો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહાનગર પાલિકામા હાલમાં એક એક કર્મચારી અધિકારી પાસે બેથી વધુ ચાર્જ છે અને કર્મચારીઓ કામના ભારણ નીચે દબાયા છે ત્યારે કોર્પોરેશનમાં વર્કશોપ, મિકેનિકલ અને સ્ટોર વિભાગની ત્રણ-ત્રણ જવાબદારી સંભાળતા 15000ના ફિક્સ પે વાળા કર્મચારી જયદીપભાઈ એ.લોરિયાએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સ્વૈચ્છિક રાજીનામુ ધરી દીધું હોવાનું સામે આવ્યું છે. જયદીપ લોરિયાએ આપેલા રાજીનામામાં ઉલ્લેખ કરાયો છે કે, તેઓ ત્રણેય વિભાગમાં દસ-દસ કલાક કામ કરી રહ્યા છે. સાથે જ તેઓના ઘેર પ્રસંગ હોવા છતાં ડેપ્યુટી કમિશનર સોનીએ રજા ન આપતા રાજીનામુ આપી રહ્યા છે. આમ કોર્પોરેશન બન્યાના એક મહિનામાં જ છઠા કર્મચારીએ રાજીનામુ ફગાવતા કોર્પોરેશન લોબીમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે.