હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આસ્થાના કેન્દ્ર સમા કેશવેશ્વર મહાદેવ મંદિરનું જીણોદ્ધાર કરવામાં આવનાર છે. જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની એકતા, સંપ અને સૌના તન, મન અને ધનના સહકારથી ગામમાં તળાવની પાળ પર આવેલ પૌરાણિક ગૌરવપૂર્ણ આસ્થાનાં કેન્દ્ર સમાન જગ્યા કેશવેશ્વર મહાદેવ મંદિરનો જીણોદ્ધાર કરી અલૌકિક નૂતન મંદિર બનાવવાનું આયોજન કરેલ છે. આ નૂતન મંદિર નિર્માણનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત આજ રોજ ગામમાં શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને ગામના ભૌતિક વિકાસમાં હંમેશા આર્થિક સહયોગના ભામાશા એવા સ્વ. મોહનભાઇ દેવશીભાઇ અઘારા (સરકાર) પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને જુના દેવળીયા ગામના બહારગામ વસતા અને ગામના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહી દિપાવ્યો હતો અને સૌએ ધન્યતાની લાગણી અનુભવી હતી.