27મા સમૂહ લગ્નોત્સવમાં 5 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યામોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ- મોરબી દ્વારા 2 ફેબ્રુઆરી ને રવિવારના રોજ બગથળા ગામે 27મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં 5 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નમાં જોડાનાર તમામ દીકરીઓને જીવન જરૂરી ચીજવસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવી હતી. આ સમૂહ લગ્ન પ્રસંગે મનુભાઈ કૈલાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભૂકંપ વખતે વર્ષ 2001માં સમૂહ લગ્નોત્સવની શરૂઆત જુના ઘાંટીલા ગામથી કરવામાં આવી હતી. અમારી સમૂહ લગ્ન સમિતિ પાસે 7300 જેટલા દાતાઓ છે. સમૂહ લગ્ન પ્રસંગે સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. આ વર્ષે સમૂહ લગ્નની સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને સિવણ મશીન આપીએ છીએ. અત્યાર સુધી 400 દીકરાઓને એકાઉન્ટ શિખવીને નોકરીએ લગાડ્યા છે.આ સમૂહ લગ્નોત્સવ સમારંભના અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ વરમોરા, બગથળા શ્રી નકલંકધામના મહંત દામજી ભગત, જયંતીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યકરો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.