વસંતના આગમન સાથે ફૂલો ખીલી ઊઠે છે, પંખીઓ ગાવા લાગે છે અને પ્રકૃતિમાં તાજગી છવાઈ જાય છેપ્રેમ, પ્રકૃતિ, કળા અને વિદ્યાનો સમન્વય એટલે વસંતપંચમી : ઉમંગ અને ઉર્જાનો અનુભવ કરાવતી ઋતુ વસંતમોરબી : 'આ ડાળ-ડાળ જાણે કે રસ્તા વસંતનાં, ફૂલોએ બીજું કંઇ નથી પગલાં વસંતના,આ એક તારા અંગે, અને બીજા ચમન મહીં, જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના.- મનોજ ખંડેરિયાપ્રેમ, પ્રકૃતિ, કળા અને વિદ્યાનો સમન્વય એટલે વસંતપંચમી. વસંતપંચમી ભારતના તહેવારોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આ તહેવાર મહા મહિનાના શુક્લ પંચમીના દિવસે ઉજવાય છે અને આ તહેવાર વસંત ઋતુના આગમનનો સંકેત છે. વસંત ઋતુમાં ઠંડીનો અંત અને ગરમીનો આરંભ થાય છે, જે પ્રકૃતિમાં તાજગી લાવે છે. આ દિવસે વિદ્યા અને સંગીતના દેવી તરીકે સરસ્વતી માતાની પૂજાને સમર્પિત છે. તેમજ આ તહેવાર રાધા-કૃષ્ણના પ્રેમની સાથે પણ જોડાયેલ છે, આ દિવસ દૈનિક જીવનમાં ખુશી, આનંદ અને પ્રેમનો સંદેશ આપે છે.વસંત ઋતુમાં એકદમ ઠંડા પવનનો અંત થાય છે અને સૂર્યપ્રકાશથી પ્રકૃતિનું જીવંત રૂપ પ્રગટ થાય છે. આ ઋતુના આગમન સાથે ફૂલો ખીલી ઉઠતા હોય છે, પંખીઓ ગાવા લાગે છે અને તાજા પવનથી પ્રકૃતિમાં એક નવી ઉર્જા છવાઈ જાય છે. જ્યારે પ્રકૃતિ નવજીવનથી પુલકિત થાય છે, ત્યારે તે યુવાનો તેમના પ્રેમને પ્રગટ કરતા હોય છે.વસંત પંચમીનો દિવસ ખાસ કરીને રાધા અને કૃષ્ણના પ્રેમ સાથે જોડાયેલ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કામદેવ અને રતિ ધરતી પર આવે છે અને પ્રકૃતિમાં પ્રેમ રસનો સંચાર કરે છે. આથી, આ દિવસે કામદેવ-રતિની પૂજા પણ કરાય છે. રાધા અને કૃષ્ણ પ્રેમના પ્રતીક છે. આ દિવસે કામદેવનું પૃથ્વી પર આગમન થાય છે. પ્રેમના પ્રતીક તરીકે રાધા-કૃષ્ણની પૂજાનો રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે. વસંત પંચમીના દિવસે રાધા-કૃષ્ણએ એકબીજાને ગુલાલ લગાવ્યો હતો. જેથી, આ દિવસે ગુલાલ લગાવવાની પણ પરંપરા છે. વૈષ્ણવ સંપ્રદાયમાં વસંત પંચમીથી હોળી ખેલનો ઉત્સવ આરંભ થાય છે, જે ચાલીસ દિવસ ચાલે છે. જેમાં ફૂલો અને રંગોથી ઠાકોરજી સાથે હોળી રમવામાં આવે છે.વિશેષ કરીને, વસંત પંચમી સરસ્વતી પૂજાની દૃષ્ટિથી ખૂબ મહત્વ ધરાવે છે. સરસ્વતી દેવી જ્ઞાન, કલા, સંગીત, સાહિત્ય અને વિદ્યા પ્રદાન કરે છે. આ દિવસે વિદ્યાર્થીઓ સરસ્વતીની આરાધના કરીને તેમના શિક્ષણ પ્રત્યે શ્રદ્ધા અને એકાગ્રતા સાથે આગળ વધવા માટે પ્રેરણા મેળવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. એક લોકવાયકા અનુસાર પ્રાચીનકાળમાં ગુરૂના શ્રાપથી યાજ્ઞવલ્ક્ય મુનિની વિદ્યા નષ્ટ થઈ ગઈ હતી. તેમણે સરસ્વતીની પૂજા કરી. ત્યારબાદ સરસ્વતીની કૃપાથી તેમની સ્મરણશક્તિ પાછી આવી હતી. વસંતપંચમીના દિવસે ઋષિએ પોતાની વિદ્યા પાછી મેળવી હતી. વસંત પંચમીનો દિવસ સમગ્ર ભારતમાં ઉત્સાહ અને આનંદ સાથે ઉજવાય છે. પંજાબ, બિહાર, રાજસ્થાન, ગુજરાત, અને ઉત્તરપ્રદેશમાં લોકો આ તહેવારની ઉજવણી વિશેષ રીતે કરે છે. આ દિવસે લોકો પીળા રંગના કપડાં પહેરે છે, કેમ કે પીળો રંગ સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનો પ્રતીક છે. સાથે જ, પીળા ફૂલોથી ઘરો અને મંદિરોને સુશોભિત કરવામાં આવે છે. વસંતપંચમી એ એક એવો તહેવાર છે, જે જીવનના વિવિધ રંગીન પાસાંઓને ઉજાગર કરે છે. વસંત ઋતુ, રાધા-કૃષ્ણના પ્રેમ અને સરસ્વતી દેવીની પૂજાના મહત્વની સાથેસાથે આપણને જીવનમાં નવા વિચારો, ઉમંગ અને ઉર્જાનો અનુભવ કરાવે છે. વસંત પંચમીનો આ પવિત્ર તહેવાર પ્રેમ, સંસ્કૃતિ, જ્ઞાન અને એકતાનો અનોખો સંદેશ આપે છે, જે દરેક વ્યક્તિના જીવનમાં શાંતિ અને સુખ લાવે છે.