મારા પાર્ટનર સાથે કઈક વાંધો હોય, મને ફોન આવ્યો હતો, હું બહાર હતો ત્યારે સમગ્ર બનાવ બન્યો, મને મોરબી પોલીસ ઉપર વિશ્વાસ છે કે કડક કાર્યવાહી થશે : અજય લોરીયામોરબી : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનની ઓફિસમાં બે શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ ગઈકાલે બન્યો હતો. આ બનાવના સીસીટીવી ફૂટેજ અજય લોરીયાએ જાહેર કર્યા છે અને આ બનાવ અંગેની પ્રતિક્રિયા પણ તેમને જાહેર કરી છે. મોરબીના સ્કાય મોલ સામે આવેલ ભગવતી પ્લાઝા બિલ્ડીંગમાં આવેલી સેવા એજ સંપતિ ફાઉન્ડેશનની ઓફિસમાં કામ કરતા નિકુંજભાઈ ધીરજલાલ બાવરવા રહે.વાઘપર ગામ વાળાએ આરોપી જયેશભાઇ તુલસીભાઈ કાસુન્દ્રા તેમજ પ્રકાશ નરભેરામભાઈ ભૂત વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી ઓફિસે જમતા હતા ત્યારે બન્ને આરોપીઓ ઓફિસમાં ઘુસી આવી ગાળો આપી ઓફિસમાં કારણ વગર તોડફોડ કરી હતી. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.આ બનાવ અંગે અજય લોરીયાએ જણાવ્યું કે હું ગઈકાલે રાજકોટ હતો. ત્યારે મારા પાર્ટનર સાથે કોઈ વાંધો હોય મને ત્યાંથી આ શખ્સોનો ફોન આવ્યો હતો. આ શખ્સો અગાઉ સજ્જપર ગામે દારૂના કેસમાં પણ આવી ચૂકેલા છે. ગમે તે થાય પણ સેવા એ જ સંપત્તિ કાર્યરત રહેશે જ અને સેવાકાર્ય કરતું રહેશે. મને મોરબી પોલીસ ઉપર વિશ્વાસ છે કે દાખલારૂપ કાર્યવાહી થશે.