મોરબી : મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. જેમા વાંકાનેર નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ થઈ ગયા છે. આ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે.વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં 4, વોર્ડ 2માં 10, વોર્ડ 3માં 8, વોર્ડ 4માં 10, વોર્ડ 5માં 5, વોર્ડ 6માં 8 અને વોર્ડ 7માં 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમ વોર્ડ નંબર 1માં ભાજપના ચાર ઉમેદવારો અને વોર્ડ નંબર 5માં ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. વાંકાનેર પાલિકાની કુલ 28 બેઠકો માટે 53 ઉમેદવારી પત્રો નોંધાયા છે. વધુમાં હળવદ નગરપાલિકાની 28 બેઠકો માટે કુલ 75 ઉમેદવારી પત્રો નોંધાયા છે. અહીં વોર્ડ 1માં 9, વોર્ડ 2માં 10, વોર્ડ 3માં 12, વોર્ડ 4માં 9, વોર્ડ 5માં 10, વોર્ડ 6માં 13 અને વોર્ડ 7માં 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બસપા અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભાગ લીધો છે. હવે ફોર્મ ચકાસણી બાદ ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની પ્રક્રિયા થશે. ત્યારે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.